ભાવનગરમાં ઇદ-ઉલ-અઝહાની ધામધૂમથી ઉજવણી:ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સમૂહ નમાઝ અદા કરી, જેલમાં કેદીઓ પણ પર્વમાં સહભાગી થયા
ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ) ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત આસ્થા, કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો. શહેરની તમામ નાની-મોટી મસ્જિદો અને ખાસ કરીને નવાપરા ખાતે આવેલી મુખ્ય ઈદગાહ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને સમૂહમાં ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. અલ્લાહની ઇબાદત બાદ એકબીજાને ગળે મળી પાઠવી મુબારકબાદી
ઈદગાહ અને વિવિધ મસ્જિદોમાં નમાઝ પૂર્ણ થયા બાદ અલ્લાહની બારગાહમાં દેશમાં શાંતિ, અમન અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ત્યારબાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' કહી પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોએ સગા-સંબંધીઓ અને મિત્રોને ઈદના પર્વની બધાઈ આપી હતી. ભાવનગરના મુસ્લિમ વિસ્તારો રોશનીથી ઝળહળ્યા
બકરી-ઈદના તહેવારને લઈને ભાવનગર શહેરના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો જેવા કે અલકા ટોકીઝ રોડ, વડવા નેરા, સાંઢીયાવાડ, શિશુવિહાર, નવાપરા તથા કુંભારવાડા સહિતના વિસ્તારોને રંગબેરંગી રોશની અને લાઈટિંગથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા, જેને પગલે સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા જેલમાં પણ કેદીઓએ કરી ઈદની ઉજવણી
આ પવિત્ર તહેવારની ઉજવણી માત્ર ઘરો કે મસ્જિદો પૂરતી સીમિત ન રહેતા, ભાવનગર જિલ્લા જેલમાં પણ જોવા મળી હતી. જેલ પ્રશાસનના સહયોગથી જેલમાં સજા કાપી રહેલા મુસ્લિમ કેદીઓએ પણ જેલ પરિસરમાં જ ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાહની ઈબાદત કરી હતી અને એકબીજાને મ્હોં મીઠું કરાવીને પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
Read Original Article →