500ની લેતી-દેતીમાં ગેરેજ સંચાલક પર છરીથી હુમલો:લોકો ભેગા થઈ જતા બંન્ને હુમલાખોરો ભાગી ગયા, નવાપરાની ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ

Gujarat5/22/2026, 11:50:48 AM
500ની લેતી-દેતીમાં ગેરેજ સંચાલક પર છરીથી હુમલો:લોકો ભેગા થઈ જતા બંન્ને હુમલાખોરો ભાગી ગયા, નવાપરાની ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગત રાત્રે પૈસાની લેતી-દેતી મામલે એક ઓટો ગેરેજ સંચાલક પર બે શખસોએ છરી અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. આ હુમલાની સમગ્ર ઘટના ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલી બાદ બોલાવીને કર્યો હુમલો નવાપરા વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજ ધરાવતા અફઝલ સોલંકીને તે જ વિસ્તારના વસીમ નામના શખસ સાથે માત્ર 500 રુપિયાની લેતી-દેતી બાબતે ફોન પર બોલાચાલી થઈ હતી. આ બાબતે વસીમે અફઝલને નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે તેના કાકાની બેકરીએ મળવા બોલાવ્યો હતો. અફઝલ જ્યારે તેના કાકાના દીકરા સાથે ત્યાં પહોંચ્યો, ત્યારે વસીમ અને તેના સાથી રફીકે આવીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને રફીકે અફઝલને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે વસીમે છરી કાઢીને અફઝલના હાથ પર ઘા ઝીંકી દીધો હતો. જે બાદ બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં દાખલ છરીના હુમલામાં લોહીલુહાણ થયેલા અફઝલને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મારામારીની આ લાઈવ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. બનાવની જાણ થતાં જ નિલમબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ અંગે નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ડી.પી. ઉનડકટે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાન થઈ ગયું હોવાથી હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાઈવ વીડિયોની સત્યતા તપાસીને પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →