સભ્યોના માનદ વેતન થયા બંધ:નગર પ્રા.શિક્ષણ સમિતિના સભ્યોના અસ્તિત્વનો ઉભો થયો વિવાદ, સભ્યો છે કે નહીં તેની પણ દ્વિધા
ભાવનગર મહાનગરપાલિકની બોડીની મુદ્દત પૂર્ણ થયા બાદ શાસકો પણ બદલાયા છે. જેથી કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવી કે શિક્ષણ સમિતિની નવી બોડી આવે ત્યાં સુધી શરૂ રાખવી તેનો વિવાદ વકર્યો છે. રાજ્યની અન્ય મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ શિક્ષણ સમિતિને બરખાસ્ત કરી દેવામાં આવી છે. જ્યારે ભાવનગરમાં હજુ અનિર્ણીત છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની મુદ્દતનો વિવાદ ભૂતકાળમાં પણ અનેકવાર ચર્ચામાં રહ્યો છે. સામાન્ય રીતે જે સભ્યો દ્વારા શિક્ષણ સમિતિના સભ્યોને નોમિનેટેડ કરવામાં આવ્યા હોય તે સભ્યો જ રહે નહીં તો શિક્ષણ સમિતિના સભ્યોનું આપોઆપ સભ્યપદ ચાલ્યું જાય છે. પરંતુ બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની મુદ્દત પાંચ વર્ષની હોય છે. ભાવનગર નગર શિક્ષણ સમિતિની વર્તમાન ટર્મની 7મી સપ્ટેમ્બર 2021ના રોજ પ્રથમ સભા સાથે મુદ્દત શરૂ થઈ હતી. જે મુજબ પાંચ વર્ષની મુદત માટે હજુ ત્રણ મહિના બાકી છે. આ બંને વચ્ચે વારંવાર સભ્યોની અપૂર્ણ મુદ્દત વિવાદ સર્જે છે. રાજકોટ, જામનગર, સુરત સહિતની મહાનગરપાલિકાઓમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોર્પોરેટરોની મુદત પૂર્ણ થતા જ બરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શું નિર્ણય કરવો તે અંગે દ્વિધા ઊભી થઈ છે. ભાવનગર કોર્પોરેશનના નગરસેવકોની 9મી માર્ચના રોજ મુદ્દત પૂર્ણ થતા તત્કાલીન સમયથી શાસનાધિકારી દ્વારા સભ્યોને મળતું માનદ વેતનનું ભથ્થુ બંધ કરવામાં આવ્યું છે. તેમજ ત્યારબાદથી શિક્ષણ સમિતિની સભા પણ બોલાવવામાં આવી નથી. તેમ છતાં સમિતિના ઘણા સભ્યો દ્વારા તેઓના પાંચ વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતા સુધી સભ્ય પદે ચાલુ રાખવા રજૂઆત કરવામાં આવી છે. અને તે રજૂઆતના અનુસંધાને નિયમ અનુસાર નિર્ણય જાહેર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સભ્યોની મુદત પૂર્ણ થતા તેઓને નોટિસથી જાણ કરવાની હોય છે તે પણ હાલમાં કરવામાં આવી નથી. પરંતુ હાલમાં શિક્ષણ સમિતિના અસ્તિત્વનો પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના બે સભ્યો હવે નગરસેવકો બની ગયા હોવાથી સભ્ય પદે રહી શકે નહીં. સમિતિની મુદત માટેનું માર્ગદર્શન માગ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની મુદ્દત મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને 1949 મુજબ કોર્પોરેશનની મુદત પૂર્ણ થતા સભ્યોની પણ મુદત પૂર્ણ થાય છે. માત્ર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શાસનાધિકારી સાથેની સંયુક્ત સિગ્નેચર માટે સભ્ય પદે રહે છે. હાલમાં પણ 9મી માર્ચ પછી સભ્યોને ભથ્થુ ચુકવાતું નથી, તેમજ બેઠક પણ બોલાવવામાં આવી નથી. છતાં કોર્પોરેશનમાં સચિવ પાસે સભ્યોની મુદ્દત સંદર્ભનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. > સમીર જાની, શાસનાધિકારી શિક્ષણ સમિતિ મુદત માટે સભ્યએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની મુદ્દતનો પ્રશ્ન દર વખતે ઉભો રહે છે. ભૂતકાળમાં સભ્યોની પાંચ વર્ષ પહેલા મુદત પૂર્ણ થવા બાબતે કોંગ્રેસના સભ્ય દ્વારા કોર્ટના દ્વાર ખખડાવતા તત્કાલીન સમયે કોર્ટ દ્વારા સ્ટે પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્પોરેશને લીગલ અભિપ્રાય લીધા બાદ તે સમિતિની પાંચ વર્ષની મુદત સુધી સભ્યોને ચાલુ રાખ્યા હતા. તેમજ સભ્યોને પુરા પાંચ વર્ષ સુધી માનદવેતન પણ ચૂકવવામાં આવ્યું હતું.
Read Original Article →