મહુવાના કુંડાસ ગામની ઘટના:પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ અને કુહાડી વડે જીવલેણ હુમલો

Gujarat5/23/2026, 11:09:00 AM
મહુવાના કુંડાસ ગામની ઘટના:પ્રેમ સંબંધની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ અને કુહાડી વડે જીવલેણ હુમલો
મહુવા તાલુકાના કુંડાસ ગામે પ્રેમ સંબંધની અદાવત રાખીને એક યુવક પર ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને કુહાડી વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​ભુલથી લાગેલા ફોન કોલે વધાર્યો વિવાદ આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કુંડાસ ગામના મુક્તપરા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય બટુક ગીરધરભાઈ ભાલીયાને ગામના જ નરેશ કાળુભાઈ શીયાળની દીકરી તેજલ સાથે પ્રેમ સંબંધ હતો, આ બાબતની જાણ યુવતીના પરિવારને થતાં એક મહિના પહેલા યુવકના ઘરે આવીને તેને સંબંધ ન રાખવા ધમકાવ્યો હતો,​ત્યારબાદ બે દિવસ પહેલાં બટુક રાત્રિના સમયે ગામના અન્ય એક વ્યક્તિ નરેશ ડોડીયાને ફોન કરી રહ્યા હતા, ત્યારે ભુલથી યુવતીના પિતા નરેશ શીયાળને ફોન લાગી ગયો હતો. આ ભુલના કારણે નરેશ શીયાળ ઉશ્કેરાઈ ગયા હતા અને ફોન પર ગાળો ભાંડી હતી. ​આ ભુલથી લાગેલા ફોનની અદાવત રાખીને આજે સવારે જ્યારે બટુક પોતાની મોટરસાયકલ પર રોણીયા ગામ જવાના રસ્તા પાસે આવેલા પીરબાપાની દરગાહ નજીક એકલા બેઠા હતા, ત્યારે યુવતીના પિતા નરેશ કાળુભાઈ શીયાળ, જગા કાળુભાઈ અને દિલીપ નરેશભાઈ એક જ બાઇક પર ત્યાં ધસી આવ્યા હતા, ​તેમના હાથમાં લોખંડના પાઇપ અને કુહાડી જેવા ઘાતક હથિયારો જોઈને બટુક જીવ બચાવવા ખેતરો તરફ ભાગ્યા હતા, પરંતુ ત્રણેય હુમલાખોરોએ પાછળ દોડીને તેમને પકડી લીધા હતા. ​હુમલાખોરોએ બટુકભાઈ પર તૂટી પડીને લોખંડના પાઇપ વડે માથાના ભાગે આડેધડ ઘા માર્યા હતા, આ દરમિયાન જગાએ કુહાડી વડે માથાના પાછળના ભાગે ઘા કરવાનો પ્રયાસ કરતા બટુકભાઈએ આડો હાથ ધર્યો હતો, જેથી કુહાડીનો પાછળનો ભાગ તેમના જમણા હાથના કાંડા પર વાગ્યો હતો, ​યુવકની બૂમાબૂમ સાંભળીને ગામના દીપક જીણાભાઈ બારૈયા અને ભરત ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોરો હથિયારો સાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા, ​ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકના પરિવારે 108 અને પોલીસને જાણ કરી હતી, બટુકને લોહીલુહાણ હાલતમાં પ્રથમ મહુવાની હનુમંત હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે, તબીબો જણાવ્યું હતું કે, યુવકને માથાના ભાગે તેમજ જમણા હાથના કાંડા પર ફેક્ચર થયું છે અને માથા તેમજ પગના ભાગે ટાંકા આવ્યા છે પોલીસે ભોગ બનનાર બટુક ભાલીયાએ નરેશ શિયાળ, જગા શિયાળ તથા દિલીપ શિયાળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે યુવકની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →