મહુવાના દુદાણામાં જૂની અદાવતમાં બે પરિવાર આમને-સામને:ટ્રેક્ટર આડું મૂકી રસ્તો રોકવા અને 1 લાખનો મોબાઈલ તોડવાના આક્ષેપ સાથે સામસામે ફરિયાદ

Gujarat5/24/2026, 6:37:49 AM
મહુવાના દુદાણામાં જૂની અદાવતમાં બે પરિવાર આમને-સામને:ટ્રેક્ટર આડું મૂકી રસ્તો રોકવા અને 1 લાખનો મોબાઈલ તોડવાના આક્ષેપ સાથે સામસામે ફરિયાદ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુદાણા ગામમાં અગાઉ થયેલી મારામારી અને કોર્ટ કેસની અદાવતને લઈને બે કુટુંબી પક્ષો વચ્ચે રસ્તા પર જ હિંસક ઝપાઝપી અને હાથાપાઈ થઈ હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. રસ્તા પર સામસામે આવી જતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં હુમલા અને તોડફોડમાં પરિણમી હતી. આ ઘટનામાં એક પક્ષે રસ્તો રોકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામા પક્ષે મારામારી કરી આશરે ₹1 લાખની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન તોડી નાખ્યાનો આક્ષેપ કર્યો છે. બગદાણા પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ટ્રેક્ટર આડું મૂકી રસ્તો રોક્યો અને પતાવી દેવાની ધમકી આપી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ સુરત રહેતા અને મૂળ દુદાણા ગામના 42 વર્ષીય ખેડૂત આલુભાઈ રાણાભાઈ ભાદરકાએ ગામના જ ભૂરાતા જગાભાઈ ભાદરકા સામે ફરિયાદ નોંધાવી છે. આલુભાઈના જણાવ્યા મુજબ, તેઓ ગતરોજ સાંજે વાડીએથી ઘાસચારો (નીરાવ) લઈને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અગાઉ થયેલી મારામારીના કેસની દાઝ રાખીને ભૂરાતા પોતાનું ટ્રેક્ટર-ટ્રેલર આડું મૂકી તેમનો રસ્તો રોકી દીધો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. આલુભાઈએ ગાળો આપવાનું કારણ પૂછતાં જ ભૂરાતાએ તેમનો કાઠલો પકડી જોરદાર ધક્કો માર્યો હતો, જેથી તેઓ જમીન પર પટકાયા હતા અને બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. લોકો એકઠા થઈ જતાં ભૂરાતાએ "આજે તો તું બચી ગયો, હવે મળીશ તો તને પતાવી દેવો છે" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભૂરાતાનું મોટું કુટુંબ હુમલો કરશે તેવા ડરથી આલુભાઈ પોતાની બાઇક ઘટનાસ્થળે જ છોડીને ભાગી ગયા હતા. બગદાણા પોલીસે આ મામલે ભૂરાતા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 351(3) અને 324(4) મુજબ ગુનો નોંધ્યો છે. સાક્ષી બનવાની દાઝ રાખી હુમલો કર્યો બીજી તરફ, સામા પક્ષના ભૂરાતાભાઈ જગાતભાઈ ભાદરકાએ આલુ રાણાભાઈ ભાદરકા વિરૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. ભૂરાતાભાઈના આક્ષેપ મુજબ, ગતરોજ સાંજે આશરે 06:00 વાગ્યે તેઓ પોતાનું ટ્રેક્ટર-ટ્રેલર લઈને રાળગોન રોડ પર આવેલા તળાવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બટુકભાઈ જોષીના ઘર પાસે સામેથી બાઇક લઈને આવતા આલુભાઈ ભાદરકા મળ્યા હતા. અગાઉના એક કેસમાં ભૂરાતાભાઈ સાક્ષી બન્યા હોવાની દાઝ રાખીને આલુભાઈએ તેમનું ટ્રેક્ટર ઊભું રખાવ્યું હતું અને ગાળો ભાંડી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ આલુભાઈએ ભૂરાતાભાઈ સાથે મારામારી કરીને તેમને ટ્રેક્ટરના ટ્રેલર સાથે ભટકાવ્યા હતા, જેના કારણે તેમને મૂંઢ ઇજાઓ થઈ હતી. આ ઝપાઝપીમાં ભૂરાતાભાઈનો આશરે ₹1 લાખની કિંમતનો આઇફોન/મોબાઈલ ફોન પણ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગદાણા પોલીસે ભૂરાતાભાઈની ફરિયાદના આધારે આલુ ભાદરકા સામે BNS ની કલમ 115(2), 352, 351(3) અને 324(2) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →