સિહોર પંથકની 15 વર્ષીય સગીરાનું અપહરણ:જૂનાગઢની મહિલા સગીરાને ભગાડી ગઈ હોવાની પરિવારને આશંકા, પોલીસની અપહરણનો ગુનો નોંધી તપાસ
ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં એક સગીરાના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારની ઓળખીતી એક મહિલા દ્વારા સગીરાને મોબાઈલ ફોન આપવામાં આવ્યો હોવાનું સામે આવતા માતાએ ઠપકો આપ્યો હતો. જોકે, ત્યારબાદ સગીરાના અચાનક ઘરેથી ગુમ થવાની ઘટનામાં મહિલાની ભૂમિકા શંકાસ્પદ જણાતા માતાએ ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. સગીરાને મોબાઈલમાં વાત કરતી જોઈ માતાએ પૂછપરછ કરી
સગીરાની માતાની ફરિયાદ અનુસાર, આરોપી દયાબેન રમેશભાઈ જમોડ (રહે. ભાલછેલ, મેંદરડા) અગાઉ ફરિયાદીની મામાની દીકરી સાથે રહીને સાડીની દુકાન ચલાવતી હતી. ત્યારબાદ છેલ્લા 2 માસથી ભાવનગર નોકરી કરવા જાવ છું તેવું કહી ને જતી રહી હતી. ગત 11 મેના રોજ સગીરાને મોબાઈલમાં કોઈની સાથે વાત કરતી જોઈને માતાએ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ મોબાઈલ દયાબેને આપ્યો હતો અને તે તેની સાથે સતત સંપર્કમાં હતી. 12 મેની વહેલી સવારે સગીરા ઘરમાં મળી નહોતી
આ બાબતે પરિવારે દયાબેનને ઠપકો આપ્યો હતો અને સગીરાને પણ સમજાવી હતી. 12 મેની વહેલી સવારે આશરે 3 વાગ્યાના સુમારે માતાની ઊંઘ ઉડતા સગીરા પોતાની પથારીમાં જોવા મળી નહોતી. પરિવારજનોએ તાત્કાલિક આસપાસ અને સગા-સંબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. જે મહિલા (દયાબેન) પર શંકા હતી, તેનો ફોન પણ સતત બંધ આવતા પરિવારની ચિંતા વધી હતી. તેના પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તે પણ ઘરે નથી. પોલીસ દ્વારા સગીરા અને આરોપી મહિલાની શોધખોળ
માતાની લેખિત ફરિયાદને આધારે સિહોર પોલીસે આરોપી દયાબેન રમેશભાઈ જમોડ વિરુદ્ધ BNS 137(2) હેઠળ અપહરણનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ સગીરા અને આરોપી મહિલાના લોકેશનને આધારે શોધખોળ ચલાવી રહી છે. પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે.
Read Original Article →