'હું વકીલ અને પત્રકાર છું, બધાને ગાળો આપીશ':જેસર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી કોન્સ્ટેબલ પર હુમલો કરનાર શખસ સામે ગુનો દાખલ
ભાવનગર જિલ્લાના જેસર પોલીસ મથકના કંપાઉન્ડમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઊભા રહીને જાહેરમાં અપશબ્દો બોલતા એક શખસને ફરજ પરના કોન્સ્ટેબલે ટોકતાં, તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ "હું વકીલ છું અને પત્રકાર પણ છું, હું બધાને ગાળો આપવાનો" તેમ કહી પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી, હુમલો કરી દીધો હતો. સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા બદલ જેસર પોલીસે આ શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા થયો વિવાદ
આ ચકચારી બનાવની વિગતો એવી છે કે, જેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજયભાઈ વિહુભાઈ મકવાણાએ જેસર ગામના જ ફૂલવાડી વિસ્તારમાં રહેતા ભાવિક ભોળાભાઈ મકવાણા નામના શખસ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર સવારે આશરે 11.10 કલાકે કોન્સ્ટેબલ વિજયભાઈ જ્યારે પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા ત્યારે આરોપી ભાવિક મકવાણા ત્યાં ઊભો રહીને ફોન પર જોરજોરથી અપશબ્દો બોલી રહ્યો હતો. "હું વકીલ અને પત્રકાર છું..." કહી કોન્સ્ટેબલ પર કર્યો હુમલો
પોલીસ કંપાઉન્ડમાં ગાળાગાળી થતી હોવાથી કોન્સ્ટેબલે તેને ત્યાં અપશબ્દો બોલવાની ના પાડી હતી અને કોને ગાળો આપે છે તેમ પૂછ્યું હતું. આ સાંભળતા જ આરોપી ભાવિક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રોફ જમાવતા બોલ્યો હતો કે, "હું પોલીસને જ ગાળો આપું છું અને બધાને ગાળો આપું છું. હું વકીલ છું અને પત્રકાર પણ છું એટલે હું તો બધાને અપશબ્દો કહીશ." બંને હાથે નખ મારી દઈને ઈજાઓ પહોંચાડી
આરોપી બેફામ બનતાં કોન્સ્ટેબલે તેને પકડીને પોલીસ સ્ટેશનની અંદર આવવા જણાવ્યું હતું. આ દરમિયાન આરોપીએ વધુ ઉશ્કેરાઈને વિજયભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તેણે કોન્સ્ટેબલ પર હુમલો કરી, ઢીંકાપાટુનો માર માર્યો હતો અને બંને હાથે નખ મારી દઈને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. આ રીતે આરોપીએ પોલીસ સ્ટેશનની અંદર જ કાયદાના રક્ષક પર હુમલો કરી સરકારી ફરજમાં ગંભીર અડચણ ઊભી કરી હતી. પોલીસ મથકમાં જ કાયદાના રક્ષક પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થયા છે. ભોગ બનનાર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે જેસર પોલીસે આરોપી ભાવિક ભોળાભાઈ મકવાણા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 121(1), 221, 132 અને 296 મુજબ ગુનો દાખલ કર્યો છે અને તેને કસ્ટડીમાં લેવા માટે ધોરણસરની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →