જેસરમાં પિતા-પુત્રએ કુહાડી વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો:'અમે જે ધંધો કરીએ તે, તમારે અમારી ગામમાં પંચાયત નહીં કરવાની'
જેસર તાલુકાના કોબડીયા ગામે નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર પિતા-પુત્રએ કુહાડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને માથાના ભાગે 8 ટાંકા આવ્યા હતા, જ્યાં યુવકે સારવાર બાદ પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ‘તમારે અમારી ગામમાં પંચાયત નહીં કરવાની’
મળતી વિગતો અનુસાર, જેસરના કોબડીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા હર્ષદ અરજણભાઈ મકવાણા ઉં.વ.31 સાંજના આશરે સાતેક વાગ્યે તેમના મિત્ર માવજી મેર સાથે મોટરસાયકલ પર પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના જ વિનુભાઈના દીકરા ભોડીયાએ તેમને બોલાવ્યા હતા, માવજી અને ભોડીયો બંને દારૂ પીધેલી હાલતમાં હતાં. તે દરમિયાન વિનુભાઈ અને ભોડીયો બંને હર્ષદ અને માવજી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતાં. તેઓએ જણાવ્યું કે, "અમે જે ધંધો કરીએ છીએ તે કરીએ, તમારે અમારી ગામમાં પંચાયત નહીં કરવાની." કુહાડી લઈને યુવક પર તૂટી પડ્યા
આ બાબતે બંને બાપ-દીકરો ગાળો આપવા લાગ્યા હતા, હર્ષદભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા વિનુભાઈએ પોતાના હાથમાં રહેલી કુહાડી વડે હર્ષદભાઈના કપાળના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો, જેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા, હુમલા બાદ હર્ષદભાઈ જેમ-તેમ કરીને પોતાના મિત્ર માવજીભાઈને મોટરસાયકલ પર બેસાડી ઘરે પહોંચ્યા હતા. ઘરે આવીને ભાઈ દીપકભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતા, તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. કપાળના ભાગે 8 ટાંકા આવ્યા
હર્ષદભાઈને સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું છે કે તેમના કપાળના ભાગે 8 ટાંકા આવ્યા છે આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે પુત્ર ભોડીયો વિનુભાઈ તથા પિતા વિનુભાઈ બને વિરુદ્ધ જેસર પોલીસે મથકે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →