સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં વધતી જળ વનસ્પતિને દૂર કરવી જરૂરી
ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક પ્રકૃતિનું અનોખું આકર્ષણ બની રહ્યું છે, પરંતુ હાલ વધતી જળવનસ્પતિ અને બેફામ રીતે ઊગી નીકળેલા ઘાસના કારણે તેની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તળાવના મધ્યમાં આવેલો નાનો ટાપુ અનેક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ પોતાના માળા બાંધે છે, પ્રજનન કરે છે અને કુદરતી રીતે જીવનચક્ર આગળ વધારે છે. આ દ્રશ્ય વર્ષોથી પ્રકૃતિપ્રેમીઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હાલની પરિસ્થિતિ આ કુદરતી સંતુલન માટે ખતરો સાબિત થઈ રહી છે. આ ઘાસ પાણીની સપાટી પર ઘન પડદો ઉભો કરી દે છે, પરિણામે માછલીઓ, કીડા-મકોડા અને અન્ય જળચર જીવસૃષ્ટિ માટે જીવવું મુશ્કેલ બની જાય છે. જળસૃષ્ટિમાં આવતી આ અસર સીધી રીતે પક્ષીઓના જીવન પર પણ પડે છે, કારણ કે તેમનો આહાર અને નિવાસ બંને આ જ તળાવ પર નિર્ભર હોય છે. વિક્ટોરિયા જંગલ સંસ્કૃતિ સચવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આ તમામ પ્રયત્નો છતાં, જો તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સમયસર સફાઈ નહીં કરવામાં આવે, તો આ સંરક્ષણના પ્રયાસો અધૂરા રહી જાય તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓનું માનવું છે કે ચોમાસા પહેલાં જ તાત્કાલિક પગલાં લઈ તળાવમાંથી વધારાની ઘાસ અને જળવનસ્પતિ દૂર કરવી જરૂરી બની ગઈ છે. જો આ કામગીરી સમયસર કરવામાં આવે, તો તળાવનું પાણી ફરી સ્વચ્છ બની શકે છે, જળચર જીવસૃષ્ટિને નવજીવન મળી શકે છે અને પક્ષીઓ માટે આ સ્થળ વધુ સુરક્ષિત બની શકે છે. સાથે સાથે, પાર્કની કુદરતી સુંદરતામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે શહેરના લોકો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બની રહેશે. આ રીતે, વિક્ટોરિયા પાર્કના સંરક્ષણ સાથે જો કૃષ્ણકુંજ તળાવની પણ યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે, તો આ વિસ્તાર માત્ર હરિયાળો જ નહીં પરંતુ પર્યાવરણપ્રેમીઓ માટે પ્રેરણારૂપ સ્થળ તરીકે પણ ઊભરી શકે છે, જ્યાં કુદરત અને માનવ વચ્ચેનું સંતુલન સ્પષ્ટ રીતે અનુભવાય છે. વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક પગલાં
વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ જાળવવા માટે પહેલેથી જ અનેક કડક પગલાં લેવામાં આવે છે. પાર્ક વિસ્તારમાં પ્લાસ્ટિક જેવા પ્રદૂષિત પદાર્થો લઈ જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વિવિધ સ્તરે જંગલ અને પ્રાણીજીવનનું સંરક્ષણ કરાય છે, તે પગલા આવકારદાયક છે.
Read Original Article →