ગુંદી ગામે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો:મહિલાઓ સહિતના ટોળા સામે ગુનો દાખલ
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક હેઠળના ગુંદી કેરીયા ગામે વાહન ચેકિંગની કામગીરી કરી રહેલા પોલીસ કાફલા પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વાહનો ડિટેઈન કરવા બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી કરતા મામલો ગરમાયો હતો. આ સંદર્ભે પોલીસે 10 નામજોગ શખ્સો અને અજાણ્યા પુરુષ-મહિલાઓના ટોળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાહન ચેકિંગ દરમિયાન વિવાદ
ઘોઘા પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.એન. ચાવડા, પોલીસ સ્ટાફ અને જી.આર.ડી. (GRD) જવાનો ગત સાંજે ગુંદી કેરીયા ગામે વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન જેન્તીભાઈની કરિયાણાની દુકાન પાસે વાહનચાલક ચકા ધુસાભાઇ વાઘેલા, મેહુલ ભરતભાઇ સરવૈયા, હરેશ વિઠ્ઠલભાઈ પરમાર અને હિંમત ભવાનભાઇ વાઘેલાના મોટરસાઇકલ શંકાસ્પદ અને ખામીયુક્ત જણાતા, પોલીસે M.V. Act કલમ 207 મુજબ વાહનો ડિટેઈન કર્યા હતા. પોલીસ પર હુમલો અને ફરજમાં રૂકાવટ
પોતાના વિસ્તારના લોકોના વાહનો પકડાતા ઉશ્કેરાયેલા ચાર વાહનચાલકો સહિત અન્ય 10 શખ્સો અને મહિલાઓનું ટોળું ધસી આવ્યું હતું. ટોળાએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી, ધક્કામુક્કી કરીને પોલીસને ચેકિંગ સ્થળેથી પાછળ ખસેડી દીધા હતા. આરોપીઓએ "અમારા વિસ્તારના વાહનો કેમ પકડો છો?" તેમ કહી જાહેરમાં ગાળો આપી પોલીસની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો અને ગુનાહિત બળપ્રયોગ કર્યો હતો. 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ કાયદેસરની કાર્યવાહી
આ હુમલાના બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ઘોઘા પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 132, 296(b), 189(2), 191(2) અને 190 મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →