તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Gujarat4/10/2026, 6:36:34 AM
તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતી એસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈ પોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતું પોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →