મંડે પોઝિટીવ:ગોહિલવાડ પોલો ક્લબે 5 વર્ષમાં તાલીમથી તૈયાર કર્યા 75 રાઈડર
ગોહિલવાડ પોલો ક્લબ છેલ્લા પાંચ વર્ષથી ભાવનગર તેમજ સમગ્ર ગુજરાતમાં પોલો રમતને પ્રોત્સાહન આપવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. ક્લબ દ્વારા આયોજિત પોલો અવેરનેસ કેમ્પ્સના માધ્યમથી સુરત, અમદાવાદ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં કુલ 75 જેટલા રાઈડર્સને તાલીમ આપવામાં આવી છે. ક્લબના માર્ગદર્શક જયવીરસિંહ ગોહિલ ગુજરાતના એકમાત્ર પ્રોફેશનલ પોલો પ્લેયર છે. હાલમાં પણ ભાવનગરના રાઈડર્સ રોજબરોજ પોલોની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે આ રમત પ્રત્યે વધતી રસપ્રદતા અને સમર્પણ દર્શાવે છે. ગોહિલવાડ પોલો ક્લબનો મુખ્ય હેતુ યુવાનોમાં પોલો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોફેશનલ સ્તરે પહોંચાડવાનો છે. જયવીરસિંહ ગોહિલ છેલ્લા 20 વર્ષથી ઘોડા સંબંધિત રમતો સાથે જોડાયેલા છે અને રાજ્યમાં પોલોની મજબૂત પાયાની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે. તેમનું સ્વપ્ન છે કે જેમ જયપુર, દિલ્હી, જોધપુર અને મુંબઈમાં પોતાની પોલો ટીમો છે, તેવી જ રીતે ગુજરાતની પણ પોતાની મજબૂત પોલો ટીમ ઉભી થાય. ગોહિલવાડ પોલો ક્લબના આ પ્રયાસોથી આવનારા સમયમાં ગુજરાત પોલો રમતના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →