માટી ખોદવા બાબતે બે ભાઈ પર જીવલેણ હુમલો:એક ગંભીર હાલતમાં ICUમાં દાખલ, ગારીયાધારના માંડવીની ઘટના
ભાવનગરના ગારીયાધાર તાલુકાના માંડવી ગામે ગૌચરની જમીનમાંથી JCBથી માટી ખોદવાની બાબતમાં બે ભાઈઓ પર ત્રણ શખસોએ ઘાતક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. માંડવી ગામના રહેવાસી અને વ્યવસાયે ખેડૂત એવા પ્રતાપભાઈ ડેર (ઉં.વ. 48) ના ખેતરના નીચેના શેઢે આવેલી ગૌચરની જમીનમાંથી ગામના જ લાલા ડેર, કાના ડેર અને કુલદીપ કનાળા જેસીબી વડે માટી ભરી રહ્યા હતા. ત્યાંથી માટી ખોદવાના કારણે ચોમાસામાં પોતાના ખેતરમાં પાણી ભરાઈ જવાની અને પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી પ્રતાપભાઈના નાના ભાઈ શરદે તેમને માટી ભરવાની ના પાડી હતી. સમજાવવા ગયેલા ભાઈઓ પર હુમલો અને છરીના ઘા
આ બાબતે વિવાદ વકરતા પ્રતાપભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, સામેવાળા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. "તમારે જે થાય તે કરી લેજો, માટી તો અહીંથી જ ભરાશે" તેમ કહી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન લાલા અને કાનાએ પ્રતાપભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે કુલદીપ નામના શખસે છરી કાઢી પ્રતાપભાઈ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે પ્રતાપભાઈને ડાબા હાથના કાંડા પર, ડાબા પડખામાં અને પેટના ભાગે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, નાના ભાઈ શરદને પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોની જાનથી મારી નાખવાની ધમકી
બંને ભાઈઓને માર ખાતા જોઈ પ્રતાપભાઈના મોટા બાપુજીના દીકરા વાસુરભાઈ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. વાસુરભાઈને આવતા જોઈ હુમલાખોરો જતા-જતા "આ વખતે તો તું બચી ગયો, પણ હવે પછી ઝપટે ચડતો નહીં નહિતર તને મારી નાખવાનો છે" તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘાયલ ખેડૂત પલ્સ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ
હુમલા બાદ પ્રતાપભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં વાસુરભાઈએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પલ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં તેઓ હાલ આઈ.સી.યુ. (ICU) વોર્ડમાં સારવાર હેઠળ છે. આ હિંસક બનાવ અંગે ભોગ બનનાર પ્રતાપભાઈએ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગારીયાધાર પોલીસ મથકે લાલા ડેર, કાના ડેર અને કુલદીપ કનાળા વિરૂદ્ધ નામજોગ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →