મેથ્સ અને ફિઝિક્સ- કેમેસ્ટ્રીમાં 3 માર્ક તમામને મળશે:ગુજકેટમાં આન્સર કી જાહેર થતા વિદ્યાર્થીઓને ચાર માર્ક મળી ગયા

Gujarat4/5/2026, 12:41:08 AM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની આન્સર કી જાહેર કરવામાં આવી છે તેમાં ગણિતની આન્સર કી માં એક પ્રશ્નમાં તમામ જવાબો અને અન્ય એક પ્રશ્નમાં ચાર પૈકી બે વિકલ્પો સાચા છે. એટલે કે વિદ્યાર્થીને એક માર્ક અત્યારથી જ મળી ગયો છે ‌ જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં બે પ્રશ્નોમાં તમામ વિકલ્પ સાચા છે. એટલે કે વિદ્યાર્થીઓને બે માર્ક અત્યારથી જ મળી ગયા છે. બાયોલોજીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ સાચા છે જ્યારે અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં બે વિકલ્પ અને એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા છે એટલે કે માત્ર અંગ્રેજી માધ્યમમાં જે પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે તેને એક માર્ક મળી ગયો છે. એટલે કે કુલ ચાર માર્ક અત્યારથી જ મળી ગયા છે જેમાં 3 માર્ક તમામ માધ્યમમાં જ્યારે બાયોલોજીમાં 1 માર્ક માત્ર અંગ્રેજી માધ્યમના પરીક્ષાર્થીઓને મળી ગયો છે. પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે આ આન્સર કી અંગે વિદ્યાર્થીઓને કોઈ રજૂઆત હોય તો વિષય વાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ અલગ ફોર્મ ભરી ઈમેલ આઇડી gujcetkey,@gmail.com પર તારીખ 8 એપ્રિલને બુધવાર સાંજે 6:00 વાગ્યા સુધી જરૂરી આધાર સાથે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ અને જરૂરી આધારો સિવાય મળેલી રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. આન્સર કી ની રજૂઆત ફક્ત ઇ-મેલ દ્વારા સ્વીકારવામાં આવશે અને પ્રશ્ન દીઠ રૂપિયા 500 ફી રહેશે. પ્રશ્નની રજૂઆત કરી હોય અને તે સાચી ઠરશે તો ઉમેદવારને ભરેલી ફી પરત કરાશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.
Read Original Article →