વર્ષોથી અધૂરા વિકાસ પ્રોજેક્ટ નવા શાસકો માટે બનશે ચેલેન્જ:કંસારા પ્રોજેક્ટ આડે 19 ગેરકાયદે બિલ્ડીંગો, સિક્સલેન રોડ 2018થી અટકેલો, રિંગ રોડ વિવાદમાં એજન્સી સામે ઘૂંટણીએ

Gujarat6/4/2026, 1:25:13 AM
વર્ષોથી અધૂરા વિકાસ પ્રોજેક્ટ નવા શાસકો માટે બનશે ચેલેન્જ:કંસારા પ્રોજેક્ટ આડે 19 ગેરકાયદે બિલ્ડીંગો, સિક્સલેન રોડ 2018થી અટકેલો, રિંગ રોડ વિવાદમાં એજન્સી સામે ઘૂંટણીએ
ભાવનગર કોર્પોરેશનમાં જ્યારે જ્યારે નવા શાસકો સત્તા પર આવે છે ત્યારે શહેરના વિકાસ કામોની મુલાકાતોના દેખાડા કરતા હોય છે. હાલમાં પણ નવા નિશાળિયાની જેમ કોર્પોરેશનના નવ નિયુક્ત પદાધિકારીઓ અધિકારીઓના કાફલા સાથે વિકાસ કામોની મુલાકાત લેવા નીકળી ગયા છે, પરંતુ વર્ષોથી ટલ્લે ચડેલા વિકાસ કામો વાસ્તવમાં પૂર્ણ થાય તે તરફ તેઓનું આયોજન જરૂરી છે. હાલમાં પણ અનેક મોટા પ્રોજેક્ટ કોઈને કોઈ વિવાદે અથવા તો તંત્રની બેદરકારી અથવા તો સંકલનના અભાવે ટલ્લે ચડેલા છે. કંસારા પ્રોજેક્ટને આડે 19 બિલ્ડીંગો અને સીક્સલેન રોડ પણ 2018થી શરૂ થયો છતાં હજુ અધુરો છે જ્યારે રીંગ રોડ વર્ષોથી વિવાદોમાં ફસાયો છે. ભાવનગર કોર્પોરેશનની સત્તાની ડોર ભલે એક પક્ષ પાસે હોય પરંતુ પ્રતિ અઢી વર્ષે પદાધિકારીઓ બદલાતા કોર્પોરેશનની કાર્ય પદ્ધતિઓમાં પણ વ્યક્તિ મુજબના ફેરફાર થતા રહે છે. અધિકારીઓએ પણ પદાધિકારીઓની પસંદગીની કાર્યપદ્ધતિને અનુસરવું પડે છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રોજ શહેરના ચાલતા પ્રોજેક્ટની માહિતી મેળવવા અને નિરીક્ષણ માટે વિભાગીય અધિકારીઓને સાથે લઈને નીકળી પડે છે. પરંતુ મુલાકાત લેતા પ્રોજેક્ટ વર્ષોથી ચાલી રહ્યા છે અને અનેક વાદવિવાદોને કારણે પૂર્ણ પણ થયા નથી. કોર્પોરેશનના વિભાગો વચ્ચેના સંકલનના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં ખોદી નાખેલા રોડથી પ્રજા ત્રાસી ગઈ છે. છતાં શાસકો કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ઘણા પ્રોજેક્ટ એવા છે કે, જે માત્ર બજેટને ફૂલગુલાબી રાખવા માટે હોય તેમ કાગળમાં જ સમાઈ રહે છે. ગત વર્ષ 2025-26ના અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટી અને કમિશનર દ્વારા જુદા જુદા 52 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તે પૈકી મહત્વના આઇકોનિક બ્રિજ, પાર્કિંગ ઝોન, ભાવનગર દર્શન બસ, ઓપન ટુ સ્કાય ગેમ ઝોન, ટ્રાન્સપોર્ટ પાર્કિંગ, પક્ષીઘર સહિતના અનેક પ્રોજેક્ટની ઇટ પણ મુકાઈ નથી. તેમ છતાં શાસકો તે પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ વિચારસુદ્ધા કરતા નથી. કંસારા શુદ્ધિકરણમાં 19 બિલ્ડીંગનો અવરોધ ભાવનગરનો મહત્વનો કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ વર્ષોથી નિત નવા નામે રાજકીય ચૂંટણીનો હાથો બન્યો હતો. જેમાં પણ રામમંત્ર મંદિરથી વિરાણી સુધી 800 મીટરમાં 19 બિલ્ડીંગનો અવરોધ છે. કોર્પોરેશન તે ગેરકાયદેસર બિલ્ડીંગોનો કોઈ પ્રકારનો નિર્ણય કરી શકતુ નથી. રિંગ રોડ ચકરાવે ચડી ગયો, બેદરકારીનો ઉત્તમ નમૂનો કોઈપણ શહેરના વિકાસ માટે રિંગરોડ અતિ મહત્વનું પાસુ છે. રીંગરોડ જ વર્ષોથી વિવાદમાં સપડાયેલો રહ્યો છે. એજન્સીની બેદરકારી સામે તંત્ર પણ ઘુંટણીએ પડી ગયેલું છે. ખુદ કેન્દ્રીય મંત્રીના નિવાસ્થાન નજીકથી પસાર થતા રિંગરોડને તંત્ર પૂરો કરી શકતા નથી. તળાવ-બગીચાના અણઘડ આયોજન ભાવનગર કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન પાછળ પણ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહ્યા છે પરંતુ ઘણા કિસ્સાઓમાં બેદરકારીને કારણે સાર્થક થતા નથી. ભરતનગર બગીચો, અકવાડા લેક ફેઇઝ-2, રૂવા રવેચી ધામ સહિતના તંત્રની અણઘડતાના ઉત્તમ નમૂના છે. 2018માં શરૂ થયેલો સિક્સલેન પ્રોજેક્ટ નવ વર્ષે પણ અપૂર્ણ ભાવનગર રાજકોટ રોડ ઉપર સિક્સલેન પ્રોજેક્ટ વર્ષ 2018માં ઓનરેકોર્ડ અને 2019માં વાસ્તવમાં ખાતમુહૂર્ત કર્યા બાદ શરૂ થયો પરંતુ હજુ પણ જમીન સંપાદનના વિવાદને કારણે અધુરો જ છે. કામ દરમિયાન દોઢ વર્ષ સુધી તો કોન્ટ્રાક્ટર દ્વારા જ કામ બંધ કરવામાં આવ્યું હતું.
Read Original Article →