ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનનું સરાહનીય કાર્ય:સિવિલ માટે રત્ન કલાકારોનું 1000 બોટલ રક્તદાન

Gujarat4/5/2026, 12:19:06 AM
ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશનનું સરાહનીય કાર્ય:સિવિલ માટે રત્ન કલાકારોનું 1000 બોટલ રક્તદાન
ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે હોસ્પિટલોની બ્લડ બેન્કમાં પણ લોહીની અછત ઊભી થતી હોય છે ભાવનગરની સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે બ્લડની આવશ્યકતા હોવાની અપીલ કરતા ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશને તે અપીલને મક્કમપણે નિર્ધાર કરી પડકારરૂપ ઉઠાવી લીધી હતી. અને યોજેલા મહારક્તદાન કેમ્પમાં 1000 થી પણ વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સર ટી.હોસ્પિટલમાં દર્દીઓ માટે રક્તની અતિ આવશ્યકતા હોવાથી ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા હીરાના કારખાનાઓમાં જઈ બેઠકો કરી રત્ન કલાકારો સહિતનાને દર્દીઓને લોહીની આવશ્યકતા સંદર્ભે સર ટી. હોસ્પિટલનો સંદેશો પહોંચાડ્યો હતો. રત્ન કલાકારોએ પણ ટહેલને સહર્ષ સ્વીકારી તાત્કાલિક આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. શહેરના વરણી સ્ટાર અને મારુતિ ડીએમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રત્ન કલાકારોએ પોતપોતાની સમયની અનુકૂળતા મુજબ કારખાનાઓ પર કામે પણ ગયા હતા અને અન્ય સમયમાં રક્તદાન કરવા પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. સવારથી શરૂ થયેલ રક્તદાન કેમ્પ મોડી સાંજ સુધી શરૂ રહ્યો હતો. હીરાના કારખાનાઓમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા રત્ન કલાકારો રક્તદાન કરી શકે તેની પણ સુવિધા ઉભી કરવામાં આવી હતી. સર ટી. હોસ્પિટલમાં દર્દીઓ માટે તાત્કાલિક બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા આયોજિત કરેલા રક્તદાન કેમ્પને મોટી સફળતા મળી હતી. સમાજસેવા અને માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ આ કેમ્પમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા યુવાનો દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ સમાજસેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે મહા રક્તદાન કેમ્પમાં 1000 થી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આતુર હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, થોડું રક્ત, કોઈના જીવન માટે નવી આશા બની શકે. એક બોટલ રક્ત કોઈ દર્દી માટે નવજીવન સમાન બની શકે છે. અનેક પરિવારોમાં ફરી સ્મિત પરત લાવી શકે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને અન્ય રાજકીય સામાજિક અગ્રણી આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી.
Read Original Article →