મ્યુલ એકાઉન્ટમાં જમા થયેલા 34 લાખ ખાતેદારે ઉપાડી લીધા:દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના નાણા સિટી યુનિયન બેંકના ખાતામાં જમા થયા હતા, ખાતેદાર સામે ફરિયાદ
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી સિટી યુનિયન બેંકના એકાઉન્ટમાં દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની વિગતો અંગે પોલીસે તપાસ હાથ ધરતા કરદેજ ગામના શખસે તેના મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂ.34 લાખ જમા કરાવી જુદા જુદા સમયે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા. જે મામલે નિલમબાગ પોલીસે કરદેજ ગામના શખ્સ સામે ફરીયાદ દાખલ કરી છે. અલગ અલગ ઓનલાઈન રકમના નાણા 25 માર્ચ 2026એ ટ્રાન્સફર થયા
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ અજીતસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં વાઘાવાડી રોડ પર આવેલી સિટી યુનિયન બેંકના ખાતા ધારક અવિનાશ ચંદુભાઈ ચૌહાણ (રે. કરદેજ) સામે ફરીયાદ નોંધાવી હતી કે, ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ દ્રારા જાણ કરવામાં આવી હતી કે, મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા જમા થયેલા છે. જે અનુસંધાને તપાસ હાથ ધરતા વાઘાવાડી રોડ પર આવેલી સિટી યુનિયન બેંકના મ્યુલ એકાઉન્ટમાં આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ મારફતે અલગ અલગ ઓનલાઈન રકમના નાણા ગત 25 માર્ચ 2026ના રોજ ટ્રાન્સફર થયા હોવાનું અને દેશભરના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. 34 લાખ જમા થયા
જેમાં વાઘાવાડી રોડ પર આવેલી સિટી યુનિયન બેંકના ખાતામાં જુદા જુદા સમયે રૂ.34 લાખની સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી. અને ખાતેદાર અવિનાશ ચંદુભાઈ ચૌહાણે તે રકમ પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ જુદા જુદા સમયે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઈ સગેવગે કરી નાખી હતી. જે ફરીયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે બેંક એકાઉન્ટ ધારક અવિનાશ ચંદુભાઈ ચૌહાણ સામે BNS એક્ટ 317(2), 317(4), 54, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →