ખારવાળા મેલડી માતાના મંદિર પાસે અકસ્માત:કાર ચાલકે બાઇકને ટક્કર મારતા આધેડનું કમકમાટીભર્યું મોત
ઉમરાળા તાલુકાના પરવાળા ગામ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર વ્હીલર કારના ચાલકે મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક સવાર આધેડ વયના યુવકનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના ભાઇએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પરવાળા ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા હિંમતભાઈ તળશીભાઈ વનાળીયાના ભાઈ ગોરધનભાઈ તળશીભાઈ વનાળીયા ઉં.વ.55 પોતાનું ટુ-વ્હીલર મોટરસાયકલ નંબર GJ-10-N-6213 લઈને પરવાળા ગામથી ખારવાળા મેલડી માતાના મંદિર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન મંદિર સામે પહોંચતા જ, પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક ફોર વ્હીલર ગાડી નંબર GJ-14-BA-4256 ના ચાલકે ગોરધનભાઈના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, ગોરધનભાઈ રોડ પર ફગવાઈ ગયા હતા અને તેમના માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી, અકસ્માતની જાણ થતાં જ મૃતકના ભાઈ હિંમતભાઈ તથા અન્ય ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા ગોરધનભાઈને ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઉમરાળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ મૃતકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, આ મામલે મૃતકના ભાઈ હિંમતભાઈ વનાળીયાએ માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જનાર ફોર વ્હીલર ગાડી GJ-14-BA-4256 ના અજાણ્યા ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →