કાળીયાબીડમાં મંગેતર સામે યુવકને છરી મારી લૂંટ કરનારા ઝડપાયા:બોરતળાવના કાચા રસ્તે વાતચીત કરવા જતાં સગાઈ થયેલ યુગલ ભોગ બન્યુ હતું
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સગાઈ થયેલા યુગલ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ બંને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત
ફરિયાદી દિશાબેન ડાભીના જણાવ્યા અનુસાર, ગત 1 એપ્રિલના રોજ તેઓ તેમના મંગેતર મનદીપસિંહ અને પરિવાર સાથે વરતેજ ખાતે જમીને પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે 10.30 વાગ્યાના સુમારે કાળીયાબીડથી બોરતળાવ તરફ જતા કાચા રસ્તે તેઓ વાતો કરવા ઉભા રહ્યા હતા. આ દરમિયાન સ્કૂટર પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી. જીવલેણ હુમલો અને લૂંટ
લૂંટારુઓએ મનદીપસિંહના પડખામાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, તેમજ ગાલ અને હાથના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે દિશાબેને આ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા હતા. લૂંટારુઓ 20 હજારની કિંમતનો મોબાઈલ, ચાંદીના સાંકળા અને રોકડ રકમ સહિત કુલ અંદાજે 30 હજારથી વધુની મતા લૂંટીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનદીપસિંહને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો.. મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ પોલીસ કાર્યવાહી અને ધરપકડ
દિશાબેનની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે તપાસ તેજ કરી બંને શખ્સોને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ (ઉં.વ.28, રહે. વાળુકડ ગામ) અને વિપુલ જીવરાજભાઈ જાદવ (ઉં.વ. 26, રહે. બોરતળાવ મફતનગર)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →