પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું:ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા ગયેલા યુવકો પર તલવાર અને છરી વડે હિચકારો હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત

Gujarat5/16/2026, 8:38:59 AM
પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું:ડાક ડમરુ મહોત્સવની પત્રિકા આપવા ગયેલા યુવકો પર તલવાર અને છરી વડે હિચકારો હુમલો, બે ગંભીર ઈજાગ્રસ્ત
ભાવનગરના શિવનગર વિસ્તારમાં મિત્રના ઘરે 'ડાક ડમરુ મહોત્સવ'ની આમંત્રણ પત્રિકા આપવા ગયેલા ટેમ્પો ચાલક યુવક અને તેના મિત્ર પર પાડોશીઓએ તલવાર, છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે ગંગાજળિયા પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગજ્જરના ચોક વિસ્તારમાં રહેતા અને ટેમ્પો ડ્રાઈવિંગ કરતા પ્રકાશ ઉર્ફે બોબડો ભોપાભાઈ રાઠોડ ઉં.વ.28 ગઈકાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યે શિવનગર બાયલીનો ખાર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર કૌશિક જીવરાજભાઈ ચુડાસમાના ઘરે ગયા હતા, તેઓ ત્યાં આગામી ‘ડાક ડમરુ મહોત્સવ’ની આમંત્રણ પત્રિકા આપવા માટે એકઠા થયા હતા, આ ​દરમિયાન કૌશિકના ઘરની બહાર રહેતા અમિત ઉર્ફે દાંતાળો ગોહેલ, તેની પત્ની દુર્ગા, તેનો સાળો ટોટો, વીકકી અને બહેન શીતલ અંદરોઅંદર ખૂબ જ બિભત્સ ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા, આ ઝઘડો વધુ ન વધે તે માટે પ્રકાશ અને કૌશિક તથા તેમના પત્ની સંગીતા વચ્ચે બચાવ કરવા પડ્યા હતા, ​​વચ્ચે પડતા જ ઉશ્કેરાયેલા પાડોશીઓએ આ લોકો પર હથિયારો વડે હુમલો કરી દીધો હતો, અમિત ઉર્ફે દાંતાળાએ હાથમાં રહેલી તલવારનો ઘા પ્રકાશભાઈ પર કર્યો હતો, પ્રકાશએ પોતાનો જમણો હાથ આડો ધરી દેતા તલવારનો ઘા હથેળી અને અંગૂઠા પર વાગ્યો હતો, જેના કારણે તેમનો અંગૂઠો ચામડી સાથે લટકી જતા લોહીલુહાણ થઈ ગયો હતો, ​બીજી તરફ અમિતના સાળા ‘ટોટો’એ છરી વડે કૌશિકના કપાળના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધો હતો, જ્યારે વીકકીએ ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, "અમારા મામલામાં વચ્ચે પડતા નહીં, જો હવે પછી વચ્ચે આવશો તો જાનથી મારી નાખીશું."​ ​ઘટના બાદ કોઈએ તુરંત 18 ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં કૌશિકને કપાળના ભાગે બે ટાંકા આવ્યા હતા. જો કે, પ્રકાશના અંગૂઠાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઓપરેશનની તજવીજ હાથ ધરવામાં આવી છે. ​આ સમગ્ર મામલે પ્રકાશ રાઠોડે હુમલાખોર અમિત ઉર્ફે દાંતાળો, ટોટો, વીકકી અને દુર્ગા સામે ગંગાજળીયા પોલીસ મથકે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →