લાકડાના ધોકા-છરી લઈને યુવક પર 4 શખ્સો તૂટી પડ્યા:ઝઘડામાં સમાધાન બાદ પણ મીઠા અગરના ખારમાં બોલાવીને મારમાર્યો, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો
ભાવનગરના ક.પરા પોપટનગર વિસ્તારમાં એક યુવક સાથે રક્ષાબંધન દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં શખસોએ યુવકને પોપટનગરના મીઠાના અગરના ખારમાં બોલાવી લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે મામલે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મીઠા અગરના ખારમાં બોલાવીને મારમાર્યો
મળતી માહિતી મુજબ, ક.પરા પોપટનગર વિસ્તારમાં રહેતા રોનક શંકરભાઈ વાજા (ઉ.વ. 26)એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓને રક્ષાબંધનના તહેવારે મોહિત વાજા સાથે થયેલા જૂના ઝઘડાનું સમાધાન થઈ ગયું હતું. છતાં તેની દાઝ રાખીને ગઈકાલે(5 એપ્રિલ) સાંજે આશરે સાડા ચાર વાગ્યે મોહિત વાજાએ ફોન કરીને રોનકને પોપટનગર ખાતે રામાપીર મંદિર પાછળ આવેલા મીઠાના અગરના ખારમાં બોલાવ્યો હતો. લાકડાના ધોકા અને છરી લઈને યુવક પર તૂટી પડ્યા
રોનક ત્યાં મોટરસાયકલ પર પહોંચતા જ મોહિત વાજા, શંકર બારૈયા અને તેમના બે અજાણ્યા સાગરિતો હાજર હતાં. ત્યાં પહોંચતા ચારેય શખ્સોએ ગાળો બોલી હતી. તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયને મોહિતે લાકડાના ધોકાથી હુમલો કર્યો, જ્યારે શંકરે છરી વડે માથા અને પીઠના ભાગે ઘા કર્યા, જેમાં પીઠમાં છરીના ચરકા પડી ગયા. અન્ય બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો અને ફરિયાદ નોંધાવી
ગંભીર ઇજાઓ વચ્ચે રોનકભાઈ દોડી પોતાનો બચાવ કરી મામાના ઘરે પહોંચ્યા અને ત્યારબાદ રોનકભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જે ફરિયાદના અનુસંધાને ગંગાજળિયા પોલીસે મોહિત વાજા, શંકર બારૈયા બન્ને હનુમાનનગર ભાવનગરના રહેવાસીઓ તેમજ બે અજણાયા માણસો વિરુદ્ધ BNS કલમ 118(1), 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →