મોતીતળાવ વિસ્તારમાં યુવક પર હુમલા મામલે ત્રણ શખ્સની થઈ ધરપકડ:ઉછીના રૂપિયા પરત આપવાના બહાને યુવકને બોલાવી ત્રણ ભાઈઓનો છરીથી હુમલો કરાયો હતો
ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાતના યુવકને તેના મિત્રએ 4 હજાર પરત આપવાના હોવાનું કહી પોતાના ઘરે બોલાવ્યો હતો, જ્યાં પહોંચતા જ ત્રણ સગા ભાઈઓએ અપશબ્દો બોલી છરી વડે હુમલો કરતા યુવકને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી.જેને લઈ બોરતળાવ પોલીસે ત્રણેય ભાઈઓની ધરપકડ કરી છે. 4,000 પરત આપવાના બહાને મોટરસાયકલ પાછળ બેસાડી ઘરે લઈ ગયો
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રામમઢી શેરી નંબર-4માં રહેતા અને મજૂરી કામ કરતા અજયભાઈ ધીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 30)એ તા. 3 જૂનના રોજ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ રાત્રીના સમયે કુંભારવાડા ખાર વિસ્તારમાં પોતાના મિત્ર સાજીદભાઈ સલીમભાઈ સાથે બેઠા હતા ત્યારે વિશાલ મહેશભાઈ ગોહિલ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો હતો અને અગાઉ ઉછીના આપેલા રૂ. 4,000 પરત આપવાના બહાને અજયભાઈને પોતાની મોટરસાયકલ પાછળ બેસાડી ઘરે લઈ ગયો હતો. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન વિશાલના ભાઈઓ મનોજ ઉર્ફે ચીમન અને વિજય ઉર્ફે ઝેરી પણ અલગ મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. ઘર પાસે પહોંચતા જ ત્રણેય ભાઈઓએ અજયભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી અને ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઈને છરી વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અજયભાઈને હાથ તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણેય હુમલાખોર ભાઈઓ મોટરસાયકલ લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસે વિશાલ, મનોજ અને વિજય સામે BNS કલમ 118(2), 352, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →