ભાવનગરમાં કાયદો-વ્યવસ્થા રામભરોસે:‘સામે કેમ જુએ છે’ તેમ કહી કરચલીયાપરામાં યુવાન પર ધારિયા-ફરસા વડે જીવલેણ હુમલો
ભાવનગર શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરી, છરીબાજીના હુમલા અને અસામાજિક તત્વોના આતંક વચ્ચે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતા ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન છતાં ગુનાહિત બનાવોમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક જ દિવસમાં ઘાતક હથિયારો વડે હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં શહેરમાં ફરી ભયનો માહોલ સર્જાયો છે. કરચલીયાપરા વિસ્તારમાં સામું જોવા જેવી નજીવી બાબતને લઈને એક યુવાન પર બે શખ્સોએ ધારિયા અને ફરસા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હિંસક હુમલો કરી લોહિયાળ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચાની કેબિન પર ઝઘડો જોતાં જ શખ્સો ઉશ્કેરાયા
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના કરચલીયાપરા, ઈસાફતાની શેરી, ભરવાડની વાડી સામે રહેતા શૈલેષ ઉર્ફે ધુમાડો ધીરૂભાઈ ચૌહાણ (ઉં.વ. 39) એ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગઈકાલે સાંજના સમયે તેઓ પોતાના ઘર નજીક કરચલીયાપરા મામા કોઠા રોડ પર આવેલી જયેશભાઈની ચાની કેબિન પર ચા પીવા બેઠા હતા. તે દરમિયાન ત્યાં રહેતા નયન હરેશભાઈ બારૈયા અને કરણ ઉર્ફે બાઠું (બંને રહે. સાઈઠફળી, ભાવનગર) કોઈ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યા હતા. શૈલેષભાઈ તેમની તરફ જોઈ રહ્યા હોવાથી બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં ધારિયું તથા ફરસા જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા. તેમણે “અમારી સામે કેમ જોવે છે” તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જોકે, વધુ ઝઘડો ન થાય તે માટે શૈલેષભાઈ ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. ઘર પર પથ્થરમારો કરી બહાર બોલાવ્યા અને ઘા ઝીંક્યા
શૈલેષભાઈ ઘરે ગયાના થોડા સમય બાદ બંને હુમલાખોરો તેમના ઘર સુધી ધસી આવ્યા હતા અને ઘર પર જોરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. બહાર હોબાળો સાંભળીને શૈલેષભાઈ જેવા ઘરની બહાર નીકળ્યા, કે તરત જ નયન અને કરણ તેમના પર તૂટી પડ્યા હતા. બંને શખ્સોએ શૈલેષભાઈ પર ધારિયા અને ફરસા વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ ઘાતક હુમલામાં શૈલેષભાઈને માથાના ભાગે, હાથ પર તેમજ કાન નજીક ગંભીર અને લોહિયાળ ઈજાઓ પહોંચી હતી. પત્ની અને પાડોશીઓ દોડી આવતા હુમલાખોરો ભાગ્યા
શૈલેષભાઈની બૂમાબૂમ સાંભળી તેમની પત્ની તેમજ આસપાસના પાડોશીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા, જેથી લોકોના ટોળાને જોઈને હુમલાખોરો વધુ માર મારતા અટક્યા હતા. જતાં-જતાં બંને શખ્સોએ શૈલેષભાઈને "જો પોલીસમાં જશો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શૈલેષભાઈને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118(1), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટ (GP Act) ની કલમ 135 હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →