ખેડૂતવાસમાં ફિલ્મી ઢબે યુવકની પાછળ છરી લઈને દોડ્યા હુમલાખોરો:જુગાર પકડાવ્યાની શંકા રાખી યુવક પર છરીથી જીવલેણ હુમલો, ત્રણ સામે ગુનો દાખલ
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જુગારની બાતમી આપ્યાની શંકા રાખીને સાગર વાજા નામના યુવકને રસ્તામાં આંતરી, ગડદાપાટુનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ અંગે ભોગ બનનાર યુવકે ઘોઘારોડ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગત અનુસાર શહેર ખેડૂતવાસ વિસ્તાર મફતનગરમાં રહેતા અને સેન્ટિંગ કામ કરી ગુજરાન ચલાવતા સાગર રમેશભાઈ વાજા 21મીની બપોરે તેના મિત્રો રામ ધીરુભાઈ બારૈયા તથા નીતિન જીવણભાઈ ગોહેલ સાથે મોટરસાયકલ પર કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ખેડૂતવાસ મેલડીમાંની ધાર પાસે કૃણાલના ઘર નજીક પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર રોહિત ઉર્ફે બોમ્બ રાઠોડે તેનું મોટરસાયકલ આડું રાખી વાહન ઊભું રખાવ્યું હતું અને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. છરી બતાવીને ધમકાવ્યા
સાગરએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો, ઝઘડો ઉગ્ર બનતા ત્યાં હાજર અવિનાશ કેશાભાઈ ચુડાસમાએ સાગરને મોટરસાયકલ પરથી નીચે પાડી દીધા હતા અને રોહિત તથા અવિનાશે ભેગા મળીને તેમને ગડદાપાટુનો આડેધડ માર માર્યો હતો. આ દરમિયાન કૃણાલ કેશાભાઈ ચુડાસમા પણ ત્યાં ધસી આવ્યા હતા અને તેમણે સાગરને છરી બતાવીને ધમકાવ્યા હતા. આયોજન કરીને હુમલો કર્યો
આ હુમલો કરવાનું કારણ એવું છે કે, બે-ત્રણ દિવસ પહેલાં કૃણાલના ઘરે જુગાર પકડાયો હતો, આ જુગાર સાગરે જ પકડાવ્યો હોવાની શંકા રાખીને આ ત્રણેય શખ્સોએ અગાઉથી આયોજન કરીને હુમલો કર્યો હતો, હુમલા દરમિયાન કૃણાલ છરી લઈને સાગરની પાછળ દોડ્યા હતા. સાગર પોતાનો જીવ બચાવીને ભાગ્યા અને નજીકમાં રહેતા નીઝુબેનના ઘર પાસે પહોંચ્યા હતા. ત્યાં હાજર નીઝુબેને વચ્ચે પડીને સાગરને વધુ માર ખાવામાંથી અને જીવલેણ હુમલામાંથી બચાવ્યા હતા આ જોઈને હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ સાગરએ પોતાના ભાઈ સંજય અને પિતા રમેશભાઈને આ અંગે જાણ કરી હતી અને ત્યારબાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશન પહોંચીને રોહિત ઉર્ફે બોમ્બ, અવિનાશ ચુડાસમા અને કૃણાલ ચુડાસમા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →