'પ્રેમ સંબંધ નહીં રાખે તો ફોટા વાઇરલ કરી દઈશ':હોસ્પિટલમાં નોકરી જતી યુવતીનો પીછો કરી ધમકાવનાર મહુવાનો શખ્સ જેલભેગો
ભાવનગર શહેરમાં રહેણાંક વિસ્તારથી હોસ્પિટલ નોકરી પર જતી યુવતીનો પીછો કરી, પ્રેમ સંબંધ રાખવા દબાણ કરવા બદલ નિલમબાગ પોલીસે મહુવાના ભાદ્રોડ ગામના આફતાબ હબીબભાઈ શેખની ધરપકડ કરી છે. આરોપી યુવતીને ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતો હોવાની ફરિયાદના આધારે પોલીસે આઈ.ટી. એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીને ફોન અને વોટ્સએપ મેસેજથી પરેશાન કરતો
ઘટનાની વિગતો મુજબ, પીડિત યુવતી જ્યારે પોતાના ઘરેથી હોસ્પિટલ ફરજ પર જતી હતી, ત્યારે આરોપી આફતાબ શેખ તેનો પીછો કરી અશોભનીય ઈશારા કરતો હતો. તેણે યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ સતત ફોન અને વોટ્સએપ મેસેજ દ્વારા પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કર્યું હતું અને જો તે વાત ન માને તો તેના ફોટા વાયરલ કરવાની તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. યુવતીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ મામલે યુવતીએ હિંમત દાખવી નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુ.ર.નં. 0161/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(1), 78(2), 115(2), 351(2), 351(3) અને આઈ.ટી. એક્ટની કલમ 67 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને નિલમબાગ પોલીસ અને પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે ગણતરીના સમયમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી આફતાબ હબીબભાઈ શેખને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →