ભાવનગરમાં પોલીસ પર હુમલા બાદ ડ્રોનથી મેગા સર્ચ ઓપરેશન, VIDEO:ગુંદી ગામમાંથી મહિલાઓ સહિત 20 ડિટેઈન, સરકારી જમીન પરના દબાણકારોને નોટિસ અને ગેરકાયદે વીજ કનેક્શન કાપ્યા
ભાવનગરના ઘોઘા પોલીસનો સ્ટાફ 11મેએ ગુંદી ગામે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. ત્યારે ચેકીંગ દરમિયાન ચાર વાહન ડિટેઈન કરતા મહિલાઓ અને શખસોનું મોટુ ટોળુ ઘસી આવ્યુ હતું. અને અમારા વાહન કેમ ડિટેઈન કરો છે તેમ કહી પોલીસ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જેને લઈ ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. હુમલાની ઘટનાને લઈ પોલીસે વહીવટી, મહેસુલ, વીજ કચેરીના સ્ટાફને સાથે રાખી આજે 12મેએ એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 20 શખસને ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા. જ્યારે સરકારી જમીન પરના દબાણો કરી બેસેલા શખસોને જમીન ખાલી કરવા નોટીસ આપવામાં આવી હતી. તો ગેરકાયદે વીજ જોડાણ કરીને વીજ ચોરી કરતા તત્વોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. કેરીયાવાસમાં ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું
ઘોઘા તાલુકાના ગુંદી ગામે કેરીયાવાસ વિસ્તારમાં 11મેએ સાંજના સમયે વાહન ચેકિંગમાં ઘોઘા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ સહિતના સ્ટાફ સાથે ઘર્ષણ કરી મહિલાઓ અને શખસોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલાને લઈ ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુંદી ગામમાં ’કેરીયાવાસ’ વિસ્તારમાં એક સુવ્યવસ્થિત અને આધુનિક ટેકનોલોજી સજ્જ ’કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તાર પર આકાશમાંથી ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. જ્યારે ઓપરેશનમાં સામેલ અધિકારીઓ અને જવાનોએ બોડી વોર્ન કેમેરા ધારણ કર્યા હતા, અને સમગ્ર કાર્યવાહીનું ડિજિટલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગની સાથે અન્ય સરકારી વિભાગના સંકલનથી આ ઓપરેશનને ’હોલ ગવર્નમેન્ટ એપ્રોચ’ સાથે હાથ ધરાયું હતું. TDOની ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ
જેમાં એસઓજી , એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો સાથે ભાવનગર તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ટીમ દ્વારા જરૂરી વહીવટી તપાસ કરવામાં આવી. ગેરકાયદે વીજ જોડાણો અને ચોરી પકડવા માટે વીજ કચેરીની ટેકનિકલ ટીમો જોડાઈ હતી. સાથે ઓપરેશન દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા મેડિકલ ટીમ પણ સ્થળ ૫૨ તૈનાત રાખવામાં આવી હતી. સરકારી જમીન પરના દબાણકારોને નોટિસ ફટકારાઈ
ઓપરેશન દરમિયાન જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરનારા અને કાયદો હાથમાં લેતા 15થી 20 જેટલા ગુંડા તત્વોને સ્થળ ૫૨થી ડીટેઈન કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી ગૌચર જમીન ઉપર ગેરકાનુની રીતે કબજો જમાવી બેઠેલા લોકોને ઓળખી કાઢી તેમને સ્થળ પર જ નોટિસો ફ્ટકારવામાં આવી હતી. વીજ કચેરીની ટીમ દ્વારા ગેરકાનુની વીજ જોડાણો કાપી નાખી, વીજ ચોરી કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 'વારંવાર ગુના બને છે એટલે સર્ચ ઓપરેશન'
આ અંગે ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમેં જણાવ્યું હતું કે, એવી જગ્યાઓ કે જ્યાં વારંવાર ગુના બને છે, એ જગ્યાઓનું કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કરવામાં આવે તે સૂચનાને ધ્યાનમાં રાખી ગુંદી ગામમાં એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કર્યું. ગત વર્ષે પણ અહીં વારંવાર ગુના બન્યા છે અને છેલ્લા એક અઠવાડિયામાં પણ બે-ત્રણ વાર અમને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થવાની માહિતી મળી હતી. 'ધારિયા, ધોકા સહિતના હથિયારો જપ્ત કરાયા'
ત્યારે આજે બધા જ આરોપીઓને ચિહ્નિત કરીને LCB, SOG અને લોકલ ટીમને સાથે લઈને કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં અમે મુખ્યત્વે 20 આરોપીઓને ચિહ્નિત કરીને તેમના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. તેમની ઇલેક્ટ્રિસિટી અને 'હોલ ગવર્મેન્ટ એપ્રોચ' નો ઉપયોગ કરીને એરિયા ડોમિનન્સ કર્યું. જેમાં અમને ધારિયા, ધોકા અને અલગ અલગ પ્રકારના હથિયાર મળ્યા છે. તેની સાથે ઘણા એવા વાહનો પણ ડિટેઈન કર્યા છે જેમના કોઈ કાગળો તેમની પાસે નહોતા. ત્યારબાદ, અત્યારની સ્થિતિ એ છે કે અમે 10 પુરુષ અને 15 મહિલાને ડિટેઈન કર્યા છે. આ ઓપરેશનમાં મામલતદાર, પીજીવીસીએલની એક ટીમ હિટવેવની સ્થિતિ હોવાથી ડોકટર ટીમ અને એમ્બ્યુલન્સ પણ સાથે રાખવામાં આવી હતી.
Read Original Article →