'અમારો આશરો છીનવાયો હવે ક્યાં જવું':'મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું', વોર્ડ-1ના રહીશોએ કહ્યું 'સારું કામ કરશે એને મત આપીશું'

Gujarat4/10/2026, 12:30:00 AM
'અમારો આશરો છીનવાયો હવે ક્યાં જવું':'મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું', વોર્ડ-1ના રહીશોએ કહ્યું 'સારું કામ કરશે એને મત આપીશું'
ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 (ચિત્રા-ફુલસર-નારી) માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મતદારો સફાઈ, ગટર, પાણી અને ડિમોલિશન બાદ સર્જાયેલી આવાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. 'સમસ્યા દૂર કરે તો મત આપીએ, બાકી દેવો નથી' આ અંગે સ્થાનિક અસ્મિતાબેને જણાવ્યું હતું કે, નિયમિત રીતે પાણી આવે છે, પણ એમાં ગટરની વાસ બહુ આવે છે. જેનાથી અમારા બાળકો બિમાર પડે છે. મત લેવા હોય ત્યારે તો ઘડીએ-ઘડીએ બધા આવો છો, અત્યારે અમારે મત દેવો કે ન દેવો કોઈને એ વિચાર આવે છે અમને. બધી સમસ્યા આ દૂર કરી દે એને મત આપીએ અમે, નકર અમારે કોઈને મત દેવો જ નથી. 'ગટરની લાઈન કે કોઈ સુવિધા નથી મળી' સ્થાનિક કંચનબેન કંટોલીયાએ જણાવ્યું હતું કે, કાંગસીયા વિસ્તારમાં અમારે ગટર લાઈન નથી આવી, કોઈ પણ સુવિધા નથી અને કોઈ પણ વાહન મોટું લાવવું હોય તો અમારે બહુ મુશ્કેલી પડે છે. દવાખાનાનું કામ હોય તો એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી. અમે વેરો રેગ્યુલર ભરી દઈએ છીએ. મત દઈએ છીએ તો પણ કોઈ કામ થતું નથી. કોઈ સારું કામ કરે તો એને અમે મત દઈએ. થોડા ઉંચાઈ ઉપર રહીએ છીએ તો ત્યાં કોઈ સુવિધા મળી નથી. 'મત જોઈએ ત્યાં સુધી સફાઈ થાય' સ્થાનિક ભાવનાબેનએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં સફાઈ નથી થતી અને નથી કચરાવાળો આવતો. જ્યારે મત જોઈએ તો સાહેબો બધા દોડ્યા આવે. મત અમારે શું કામ દેવાના? સફાઈ તો થતી નથી તો શું કામ આ બધું કરવાનું? જ્યારે મત જોતા હોય ત્યાં સુધી સફાઈ થાય. મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું? મત લઈ લે અને પછી ડોકાતાય નથી, આ વખતે અમારે જે કંઈક સારું કામ કરશે એને મત દેવાનો, બાકી કોઈનું જોવાનું જ નથી. '82 મકાન પાડ્યા, અમારો આશરો છીનવાયો' ફુલસરના સ્થાનિક બાલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 82 મકાનમાં અમે ભાજપના કાર્યકર્તા છીએ. એમની પાછળ અમે ત્રણથી ચાર વખત ગયા. એમણે એવું કહ્યું કે તમારા મફતનગરને કાંઈ નહીં થાય. હવે અમે એમના આધારે ઉભા રહ્યા. અમારા 82 મકાન પાડવા આવ્યા ત્યારે અમને કોઈ આશરો દીધો નહીં અને અમારો સામાન બધો ભાંગી નાખ્યો. હવે અમારે કોઈ રહેવાનો આશરો નથી. તો અમારે હવે જવાનું કઈ ઠેકાણે. આ કોઈ દીવસ કોઈ ભાજપનો એક કાર્યકર પણ આવ્યો નથી. જેની પાછળ ગયા એને કીધું 'ના કાંઈ નહીં થાય, તમે એવી ઉપાધિ કરો માં. 'ગરીબ માણસનું કામ કરે એમને લાવીશું' સવારમાં 7 વાગ્યામાં આવીને બુલડોઝર ફેરવી દીધું. તો અમારે કઈ ઠેકાણે જવાનું અમારા 82 મકાન પાડ્યા અને મેલડી માતાજીના મંદિર પાસે 22 મકાન પાડ્યા. તો અમે બધા નિરાધાર થઈ ગયા છીએ. કોઈને કાંઈ આશરો છે નહીં. અમારે ગરીબ માણસનું કામ કરે એવા માણસોને રાખવા માંગીએ છીએ. બાકી આવા લુખ્ખા લફંગાનું કાંઈ કામ નથી. અને અહીંયા મત માટે આવતા જ નહીં? અમારે તમારી કાંઈ જરૂરી નથી, તમે અમારું કાંઈ કાર્ય કર્યું નથી. અમે હાવ નિરાધાર છીએ અત્યારે. 'ચૂંટણી પછી કોઈ દેખાતું નથી' કૌશિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે ફૂલસરમાં આંગણવાડીઓ તો ઘણી છે. પણ અત્યારે મધુવન સોસાયટી, ખારા વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી અને કર્મચારીનગર, આ ચારેય વિસ્તારની થઈને એક આંગણવાડી છે એ પણ ભાડે છે. એની અંદર પણ છોકરાઓની સંખ્યા એટલી બધી છે પણ આ એક રૂમની અંદર આ છોકરાઓ યોગ્ય રીતે બેસી પણ નથી શકતા. જેની અવારનવાર અમે રજૂઆતો કરી છે છતા કોઈ નિરાકરણ આવતું નથી. હવે તો અમને વિચાર આવે છે કે મત આપી અમે ખુરશી ઉપર બેસાડીએ છીએ પણ હવે આનું કાંઈ કામકાજ તો થતું નથી, તો હવે અમે કોને મત આપવો. વધુમાં જણાવ્યું કે ચૂંટાઈ જાય પછી અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી અને કોઈ કાંઈ ભલામણ કરતું નથી. 30-30 વર્ષથી માત્ર વાયદા કર્યાં છે:કાંતિ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ચૌહાણે સત્તાધારી પક્ષ પર 'વાલા-દવલા'ની નીતિ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન અને ટેમ્પલ બેલની વ્યવસ્થા અનિયમિત છે, જેના કારણે કચરાના ઢગલા થાય છે. પાણીની નવી ટાંકીઓ છતાં લોકોએ મોટર મૂકવી પડે છે અથવા ટેન્કર મંગાવવા પડે છે. આપણે વિકાસ વિકાસ કહીએ, વિકાસ આવો અમારે ચિત્રા ફુલસરમાં જુઓ કે કઈ પ્રકારનો વિકાસ છે. રોડ રસ્તાથી વિકાસ નથી થતો સામાન્ય માણસ ગરીબ માણસને રોજી રોટી આપે એ વિકાસ સાચો કહેવાય. 100 ટકા અમે આ સમસ્યાનું નિરાકરણ લાવશું. કાંતિ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો અમારી ઉપર વિશ્વાસ મુકે અને અમારી પેનલને જિતાડશે, અમે 100 ટકા લોકોના સંપૂર્ણ કામને વાચા આપી અને આ કામ પૂર્ણ કરાવશું એવી ખાતરી આપીએ છીએ. અને આ લોકો આજે 30-30 વર્ષથી વાયદા કરતા હોય છે, તો પણ એ કામ પૂર્ણ નથી કરી શક્યા. અને કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે કે આટલું કરશું અને આટલું કરીશું, ચૂંટણી આવે ત્યારે જ કામ કરવાના. રોડ રસ્તાના ખાતમુહર્ત તાત્કાલિક કરવામાં આવે છે, કા પહેલા નથી કરતા? આ 30-30 વર્ષથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. '5 વર્ષમાં 200 કરોડથી વધુના કામ થયા' ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં 200 કરોડથી વધુના કામો થયા છે. તેમણે પાણીની વ્યવસ્થામાં સુધારો થયો હોવાનું જણાવી ચાર નવા વોટર સોર્સ ઉભા કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર પર ગ્રાન્ટનો દુરુપયોગ માત્ર બાંકડા અને પીંજરા મૂકવામાં કર્યો હોવાનો વળતો પ્રહાર કર્યો છે. ગમે તે સોસાયટીમાં જઈને કહો કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે? જો તમને સોસાયટીમાંથી મિનિમમ એક કામ અથવા ત્રણ કામથી વધારે ગણાવી દે. તમે ગમે તે સોસાયટીમાં ઈન્ટરવ્યુ લઈ શકો છો. વાત થાય કે પાંચ વર્ષમાં એમે ક્યાં ગ્રાન્ટ વાપરી? લોકભાગીદારીમાં અમને દર વર્ષે 30 લાખની ગ્રાન્ટ મળે એટલે પાંચ વર્ષની દોઢ કરોડની ગ્રાન્ટ થાય. અમે 8થી 9 કરોડના કામ લોકભાગીદારીથી કર્યાં. ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આવા આવાસ પાડી દીધા, લોકોને ઘરવિહોણા કરી દીધા. તો મારે કાંતિભાઈને કહેવું છે કે જેની પાસે આધાર હતા નગરના, તેઓને માત્ર 1 લાખ રૂપિયામાં આવાસ આપવામાં આવ્યા. આખા ભાવનગર મહાનગરપાલિકામાં જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં આ એક જ એવી જગ્યા છે કે જેમને ઘરવિહોણા કોઈને કરવામાં નથી આવ્યા. સરકારની રોડ ઉપરની જગ્યા પર હતા. રોડ-રસ્તા કરવા પણ ખૂબ જરૂરી છે, ત્યારે એમને માત્ર 1 લાખ રૂપિયામાં (આવાસ આપ્યા) અને જે 1 લાખ રૂપિયા પણ નહોતા પહોંચી શકતા તેમને બેંક દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા 1 લાખ રૂપિયા પણ ફાઇનાન્સ કરાવીને એમને રહેણાંક માટેની સુવિધા કરી છે.
Read Original Article →