સિહોરમાં રોલિંગ મિલોના પ્રદૂષણથી ત્રણ ગામ ત્રાહિમામ, આંદોલનની ચીમકી:ફિલ્ટર પ્લાન્ટ બંધ રખાતા એર ક્વોલિટી ગંભીર સ્તરે, લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી, નેસડા અને મગલાણા ગામની આસપાસ આવેલી અનેક રોલિંગ મિલ ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી ધુમાડાના કારણે ગ્રામજનોનું જીવન દુષ્કર બની ગયું છે. આ ફેક્ટરીઓમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં તેને ચાલુ રાખવામાં આવતા નથી, જેના કારણે રાત્રિના સમયે રસ્તાઓ પર વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે અને અહીંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચી જાય છે. 'પ્રદૂષણ અંગે અનેકવાર GPCBને રજૂઆત કરી'
આ પ્રદૂષણના કારણે વૃદ્ધો અને નાના બાળકો શ્વાસની ગંભીર બીમારીઓ તેમજ ચામડીના રોગો થઈ રહ્યા છે, જ્યારે આસપાસના ખેતીલાયક પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો અગાઉ સિહોર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) કચેરીમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી
પરંતુ તંત્ર દ્વારા દર વખતે "સાહેબ નથી" તેવા બહાના હેઠળ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર ધક્કા ખાઈને કંટાળેલા ગ્રામજનોએ આ વખતે GPCB ઓફિસે આવીને ભારે રોષ ઠાલવ્યો હતો અને ચેતવણી આપી છે કે જો પ્રદૂષણનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તમામ લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
Read Original Article →