ગમખ્વાર અકસ્માત:વરતેજ નજીક ટ્રકે અચાનક બ્રેક મારતાં બાઇક ચાલક આધેડનું કરુણ મોત

Gujarat5/23/2026, 1:32:14 PM
ગમખ્વાર અકસ્માત:વરતેજ નજીક ટ્રકે અચાનક બ્રેક મારતાં બાઇક ચાલક આધેડનું કરુણ મોત
ભાવનગરના વરતેજ જીઓ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ટીવીએસ લ્યુના બાઇક લઈને જઈ રહેલા એક આધેડનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે, આ અંગે વરતેજ પોલીસે મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર સીતારામનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જીવરાજ ગોહિલ ઉં.વ.53 ગત તા.22/5 ના રોજ રાત્રિના સમયે પોતાના કોઈ કામ અર્થે સરોડ-પીપ૨લા ગામે ગયા હતા, ત્યાંથી તેઓ પોતાની ટીવીએસ લ્યુના મોટરસાયકલ નંબર GJ-04-EM-6457 લઈને પરત ભાવનગર પોતાના ઘરે આવી રહ્યા હતા, ​રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ વરતેજ જીઓ પેટ્રોલ પંપ પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની આગળ જઈ રહેલા એક ટ્રક નંબર GJ-32-T-6262 ના ચાલકે પોતાના કબજાનો ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક બ્રેક મારી દીધી હતી. ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા જીવરાજભાઈ પોતાની બાઇક પરનો કાબૂ ગુમાવી બેઠા હતા અને ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયા હતા. ​આ અકસ્માતમાં જીવરાજને માથાના ભાગે તથા બંને હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઈમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ મોડીરાત્રે તેમને મૃત જાહેર કર્યા હતા,​અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર ગૌતમ જીવરાજભાઈ ગોહિલે વરતેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →