ત્રિપલ માર્ડર કેસમાં શૈલેષ ખાંભલા સામે ચાર્જફ્રેમ:સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક, પત્ની અને સંતાનોની હત્યા કરી લાશને દાટી દીધી હતી

Gujarat5/12/2026, 11:56:48 AM
ત્રિપલ માર્ડર કેસમાં શૈલેષ ખાંભલા સામે ચાર્જફ્રેમ:સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક, પત્ની અને સંતાનોની હત્યા કરી લાશને દાટી દીધી હતી
ભાવનગર સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવનાર ત્રિપલ મર્ડર કેસમાં ફોરેસ્ટ અધિકારી સામે ચાર્જ ફ્રેમ કરાયા છે. ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તેની જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા નિપજાવી પોતાના જ ક્વાર્ટરમાં ખાદો ખોદી દાટી દીધા હતા. ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલા વિરુદ્ધ 1500થી વધુ સજ્જડ પુરવાઓ એકત્ર કર્યા બાદ 12 ફેબ્રુઆરીએ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ચાર્જફ્રેમ કરી ટ્રાયલની શરૂઆત કરવામાં આવી છે. ચકચારી કેસમાં સ્પેશિયલ પી.પી. તરીકે ઉત્પલ દવેની નિમણૂક સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ACFના પરિવારના ત્રિપલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ, બીજી મુદતે આજરોજ ભાવનગર ડિસ્ટ્રિકટ કોર્ટમાં ACF શૈલેષ ખાંભલા હત્યા કેસની ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે કાર્યવાહી માટે શૈલેષ ખાંભલાને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર કરાયો હતો, તેમજ રાજય સરકાર દ્વારા સ્પેશિયલ પી.પી તરીકે એડવોકેટ ઉત્પલ દવેની નિમણુક કરવામાં આવી છે. ત્યારે આજરોજ શૈલેશ ખાંભલાની બીજી મુદતે ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે રબારી સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડમાં કાયદાકીય જંગ અને ન્યાયિક લડાઈનો વિધિવત પ્રારંભ થયો છે. અમારી માગ છે કે આરોપીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં- ગોવિંદ આલ આ બનાવ અંગે રબારી સમાજના પ્રમુખ ગોવિંદભાઇ આલે જણાવ્યું હતું કે, ​આજરોજ શૈલેષ ખાંભલાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં મુદત હતી. અમે બધા આગેવાનો હાજર રહ્યા હતા. ત્રણેય મૃતદેહોનું પીએમ કરનાર તબીબને 26મીએ હાજર રહેવા આદેશ કરાયો છે. આ તકે અમે સરકારનો અમે આભાર માનીએ છીએ. કારણ કે અમારી જે માંગણી હતી કે સ્પેશિયલ પી.પી તરીકે ઉત્પલભાઈ દવેની જે નિમણૂક કરી છે. અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે, આ કેસ રેગ્યુલર ચાલશે અને ઝડપી પૂર્ણ કરવામાં આવશે. અમારી રબારી સમાજની અને બધા સમાજની એવી માંગ છે કે આને ફાંસીની સજા થવી જોઈએ. આનાથી ઓછી સજા ન થવી જોઈએ. શું હતો સમગ્ર મામલો? શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતાં, જોકે તેઓ સુરતમાં રહેતાં હતાં, પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબર, 2025ના રોજ ભાવનગર ખાતે આવ્યાં હતાં. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો. તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડ્યું. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો 7 વાગ્યે વહાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું. શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો, પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાંની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો.
Read Original Article →