શખસે સસ્તું સોનું આપવાના બદલે નકલી પધરાવ્યું:કટકે કટકે 9.50 લાખ રુપિયા પડાવી લીધા, વાયદા પછી પણ રૂપિયા પરત ન કરતા શિક્ષકે ગુનો નોંધાવ્યો
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શાંતિનગર-2માં રહેતા નિવૃત્ત શિક્ષક જયેન્દ્રસિંહ સરવૈયાને પોતાની દીકરી માટે સોનાની જરૂરિયાત હતી. આ દરમિયાન તેમના પરિચિત અને કાળીયાબીડમાં જ રહેતા ક્રિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘મારે ઘણા સોની મિત્રો છે, જેથી હું તમને વ્યાજબી ભાવે સોનું અપાવી દઈશ.’ ક્રિપાલસિંહની આ વાતોમાં આવીને નિવૃત્ત શિક્ષકે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. સસ્તા સોનાના બદલે 9.50 લાખ પડાવ્યા
ત્યારબાદ ગત તારીખ 18 ડિસેમ્બર,2023થી 19 મે,2024 દરમિયાન, ક્રિપાલસિંહે સસ્તું સોનું આપવાના બહાને શિક્ષક પાસેથી અવારનવાર કરીને કુલ રૂ. 9.50 લાખની રોકડ રકમ મેળવી લીધી હતી. તેના બદલામાં તેણે શિક્ષકને સોનાની 5 લગડી, 6 બંગડી, 2 પાટલા અને 2 વીંટી સહિતના દાગીના આપ્યા હતા. દાગીના વેપારીને બતાવતા નકલી નીકળ્યા
જો કે, થોડા સમય પછી શિક્ષક જયેન્દ્રસિંહને શંકા જતાં તેઓએ આ તમામ દાગીના અને લગડી એક સોની વેપારીને બતાવ્યા હતા. સોનીએ તપાસ કરીને જણાવ્યું કે આ તમામ સોનું તદ્દન નકલી છે. છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ શિક્ષકે ક્રિપાલસિંહ પાસે જઈને નકલી સોના અંગે ખુલાસો માંગ્યો હતો. રુપિયા પરત ન આપતા નિવૃત શિક્ષકની ફરિયાદ
તે સમયે ક્રિપાલસિંહે પોતાની પાસે હાલ પૈસા ન હોવાનું કહી, થોડા સમયમાં રકમ પરત આપી દેવાનું લખાણ અને ચેક આપ્યા હતા. પરંતુ ત્યારબાદ અવારનવાર જુદા જુદા વાયદાઓ કરીને તેણે શિક્ષકના 9.50 લાખ રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આખરે નિવૃત્ત શિક્ષકે સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ક્રિપાલસિંહ ચુડાસમા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →