સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી સંચાલિકા શબાના થીમ પર કોર્ટની કાર્યવાહી:80 લાખની મિલકત ટાંચમાં લેવા મુદ્દે 14 દિવસમાં હાજર થવા ફરમાન

Gujarat5/27/2026, 4:29:22 PM
સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી સંચાલિકા શબાના થીમ પર કોર્ટની કાર્યવાહી:80 લાખની મિલકત ટાંચમાં લેવા મુદ્દે 14 દિવસમાં હાજર થવા ફરમાન
ભાવનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા વાઘાવાડી રોડ પર સ્પા સેન્ટરોની આડમાં ચાલતા હાઈપ્રોફાઈલ દેહવ્યાપાર અને માનવ તસ્કરીના કાળા કારોબાર મુદ્દે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા કમાયેલા નાણાંમાંથી ખરીદેલી ₹80 લાખની કિંમતી દુકાન (મિલકત) ટાંચમાં લેવા (જપ્ત કરવા) માટે નિલમબાગ પોલીસ દ્વારા કરાયેલી અરજીના આધારે અદાલતે મુખ્ય આરોપી સંચાલિકાને 14 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર થવા આખરી નોટીસ પાઠવી છે. વાઘાવાડી રોડના સ્પા સેન્ટરો પર પડ્યા હતા દરોડા આ ચકચારી કેસની વિગત એવી છે કે, થોડા મહિના પૂર્વે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા 'ઈવા સુરભી' બિલ્ડિંગમાં કાર્યરત "આયુર થાઈ ફેમેલી સ્પા" અને 'શિવા બ્લેસીંગ' બિલ્ડિંગમાં ચાલતા "ક્રિસ્ટલ ફેમેલી સ્પા સેન્ટર" પર નિલમબાગ પોલીસની જુદી જુદી ટીમોએ ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સ્પાની આડમાં બહારથી લાવવામાં આવેલી યુવતીઓ અને મહિલાઓ પાસે પરાણે દેહવ્યાપાર કરાવાતો હોવાનો પર્દાફાશ થયો હતો. સ્પામાં લવાતી મહિલાઓને ધાક-ધમકી આપી ગોંધી રાખીને માનવ તસ્કરી કરવાના ગંભીર મામલે સ્પા સંચાલિકા શબાનાબેન થીમ (રહે. રિંગ રોડ, ભાવનગર) સામે નિલમબાગ પોલીસ મથકમાં જુદા-જુદા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. દેહવ્યાપારની કમાણીમાંથી ₹80 લાખમાં ખરીદી હતી દુકાન પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી મહિલા શબાનાબેન જે 'ઈવા સુરભી' બિલ્ડિંગમાં "આયુર થાઈ ફેમેલી સ્પા" ચલાવતી હતી, તે દુકાન તેણે દેહવ્યાપાર અને માનવ તસ્કરીના કાળા ધંધામાંથી મેળવેલી ગેરકાયદેસર કમાણીમાંથી અંદાજે ₹80લાખની મોટી રકમ ચૂકવીને ખરીદી લીધી હતી. ગુનાહિત પ્રવૃત્તિના નાણાંમાંથી ઊભી કરાયેલી આ પ્રોપર્ટીનો કબજો મેળવવા અને તેને ટાંચમાં લેવા માટે નિલમબાગ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દ્વારા નામદાર કોર્ટમાં કાયદેસરની અરજી દાખલ કરવામાં આવી હતી. નવા કાયદા BNSSની કલમ હેઠળ એક્શન, કોર્ટે પાઠવ્યું સમન્સ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુના નંબર 0069/2026 અને 0070/2026ના કામે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) એક્ટની કલમ 107 મુજબ ગુનાહિત કમાણીમાંથી વસાવેલી મિલકત જપ્ત કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ભાવનગરના સાતમા એડિશનલ સીનીયર સીવીલ જજ એન્ડ એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની અદાલતે જણાવ્યું છે કે, મિલકત જપ્તીની પ્રક્રિયા પૂર્વે મહિલાને સાંભળવી જરૂરી છે. કોર્ટે સત્તાવાર સમન્સ જારી કરીને આરોપી મહિલાને 14 દિવસની અંદર તાત્કાલિક અદાલત સમક્ષ હાજર થવા કડક આદેશ કર્યો છે. જો નિયત સમયમર્યાદામાં મહિલા કોર્ટમાં હાજર થવામાં કસૂરવાર ઠરશે, તો તેની ગેરહાજરીમાં જ મિલકત જપ્ત કરવા સહિતની આગળની કાયદેસરની આકરી કાર્યવાહી અમલમાં મૂકવામાં આવશે તેવી સ્પષ્ટ નોટીસ પાઠવવામાં આવી છે.
Read Original Article →