પરિવાર તામિલનાડુ-ઉંટી ફરવા ગયું અને તસ્કરો ત્રાટક્યા:માનસરોવર સોસાયટીના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં સહિત 1.95 લાખની ચોરી
ભાવનગર શહેરના ચિત્રા પ્રેસ ક્વાર્ટર વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટીમાં એક ચોરીની મોટી ઘટના સામે આવી છે. અહીં રહેતો એક ટ્રાન્સપોર્ટર પરિવાર પ્લેન મારફતે તામિલનાડુ અને ઊંટી ફરવા માટે ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને કબાટનું લોકર તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹1.95 લાખની મતા ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પરિવાર પ્રવાસે ગયો અને પાછળથી ચોરી થઈ
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને વરતેજ વિસ્તારમાં 'કિશન રોડવેઝ' નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા યોગેશકુમાર રામબાબુ મિતલ માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. ગત 30 મે, 2026ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે પ્લેનમાં તામિલનાડુ અને ઊંટી ફરવા માટે ગયા હતા. મકાન બંધ હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ મોકો જોઈને હાથફેરો કર્યો હતો. લાકડાના કબાટનું લોકર તોડી દાગીના-રોકડની લૂંટ
તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રાખેલા લાકડાના કબાટની અંદરનું લોકર તોડીને તેમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. સોનાનો ચેઈન, બ્રેસલેટ, સોનાનો હાર, મોતીનો હાર, કાનની બુટ્ટી, વીંટી અને સોનાના સિક્કા તેમજ ચાંદીના ઘરેણા સહિત કુલ ઘરેણાંની કિંમત ₹1,90,000 ના દાગીનાની ચોરી કરી હતી. આ ઉપરાંત લોકરમાં રાખેલા રોકડા ₹5,000 મળીને તસ્કરોએ કુલ ₹1,95,000 ની ચોરી કરીને સહેલાઈથી ફરાર થઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટરના મિત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ
યોગેશકુમાર પ્રવાસે હોવાથી, આ ચોરીના બનાવ અંગે તેમના મિત્ર અને વરતેજમાં જ 'જયપુર ગુડ્સ કેરિયર' ટ્રાન્સપોર્ટ ધરાવતા રંજન કેશરસિંઘ ચૌધરીએ બોરતળાવ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. રંજનભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(A), 331(1), અને 331(4) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →