વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી:તખ્તેશ્વરથી કોળિયાક સુધી સ્કેટીંગ રેલી કાઢી બાળકોએ જળ પ્રદૂષણ મુક્તિનો સંદેશ આપ્યો, કહ્યું- પૃથ્વી અને જળનું જતન કરવું એ દરેકની જવાબદારી
આજે 5 જૂન, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ભાવનગરના ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાળવણીનો એક અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો છે. ગ્રુપના સભ્યો દ્વારા તખ્તેશ્વર મહાદેવ મંદિરથી લઈને નિષ્કલંક મહાદેવ, કોળિયાક સુધી સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ‘મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો’
આ રેલીના મુખ્ય આયોજક અમિત મકવાણાએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને ધાર્મિક ઉત્સવો કે પૂજા-અર્ચના બાદ લોકો પૂજા સામગ્રી અને નદી, તળાવ કે સમુદ્રમાં પધરાવી દે છે, જે જળ પ્રદૂષણનું મોટું કારણ બને છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે જળ સ્ત્રોતોને શુદ્ધ રાખવા માટે આ પ્રથા બંધ કરવી જોઈએ. 20 વર્ષ સુધીના 20થી વધુ બાળકો અને યુવાનોએ ભાગ લીધો
આ કાર્યક્રમમાં 3 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 20 વર્ષ સુધીના 20થી વધુ બાળકો અને યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તખ્તેશ્વર મહાદેવ મંદિરથી કોળીયાક દરિયાકિનારે 25 કિલોમીટરનું અંતર કાપી સ્કેટીંગ દ્વારા બાળકોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, રેલી નિષ્કલંક મહાદેવ પહોંચ્યા બાદ, ગ્રુપના સભ્યો દ્વારા ત્યાં મૂર્તિઓ અને પૂજા સામગ્રી એકત્ર કરવામાં આવશે અને દરિયા કિનારાની સફાઈ કરી પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ લેવામાં આવશે. ‘પૃથ્વી અને જળનું જતન કરવું એ દરેકની જવાબદારી’
આ પ્રસંગે ગ્રુપના સભ્ય શ્રુતિ અર્જુનભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર વાતોથી નહીં, પણ નક્કર કાર્ય કરીને કરી રહ્યા છીએ. સ્કેટીંગ દ્વારા અમે આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે પૃથ્વી અને જળનું જતન કરવું એ દરેકની જવાબદારી છે. ‘સેવાકીય કાર્યને લોકોએ આવકાર્યું’
આ પ્રસંગે ભાવનગરના કમિશનર એન.કે.મીણા, શહેર ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ, તેમજ આગેવાનો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ ડાયવેન્જર સ્કેટીંગ ગ્રુપના આ સેવાકીય કાર્યને ભાવનગરના લોકો દ્વારા ખૂબ જ સરાહવામાં આવી રહ્યું છે.
Read Original Article →