શહેરની વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા શખ્સની તોડફોડ:રુપિયા 1.50 લાખનું નુકસાન, આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી

Gujarat5/21/2026, 1:36:26 PM
શહેરની વાળુકડ હાઈસ્કૂલમાં અજાણ્યા શખ્સની તોડફોડ:રુપિયા 1.50 લાખનું નુકસાન, આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી
ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાળુકડ હાઈસ્કૂલમાં એક અજાણ્યા શખ્સે ગેરકાયદેસર પ્રવેશ કરીને ભારે તોડફોડ મચાવી છે. ગત 17 મેના રોજ સવારે, શાળાના આચાર્ય મહીપાલસિંહ દિલાવરસિંહ ગોહિલને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા મહીપતસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે શાળાના મુખ્ય હોલની બારીઓના કાચ કોઈએ પથ્થર મારીને તોડી નાખ્યા છે અને હોલની અંદર ઈંટો તથા પથ્થરોના ટુકડા વેરવિખેર પડ્યા છે. હાઈસ્કૂલમાં બારીઓના કાચ તોડી નાખ્યા આ ઘટનાની જાણ થતાં જ આચાર્ય મહીપાલસિંહે શાળાના પટ્ટાવાળા વિનોદભાઈ બારૈયા, ચિંતનભાઈ રાવળ અને શિક્ષક હિતેશભાઈ રાઠોડને સાથે રાખીને સ્કૂલ કેમ્પસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું કે અજાણ્યા શખ્સે માત્ર હોલ જ નહીં, પરંતુ પ્રિન્સીપાલ ચેમ્બરના બે કાચ, નવી ઓફિસના દાદરા (સીડી) પાસેના કાચ અને ઓફિસની અન્ય બારીઓના કાચ પણ પથ્થરો મારીને ફોડી નાખ્યા હતા. આ ક્રૂર તોડફોડના કારણે શાળાની જાહેર મિલકતને અંદાજે રૂ. 1,50,000 (દોઢ લાખ) નું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. આચાર્યએ તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધાવી આ સમગ્ર મામલે દેવરાજનગર-2 માં રહેતા હાઈસ્કૂલના આચાર્ય મહીપાલસિંહ ગોહિલે વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા ઈસમ સામે BNS 324(5) અને સાર્વજનિક મિલકત નુકસાન અટકાવવાના અધિનિયમની કલમ 3 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →