ભાવનગરમાં સસરા-જમાઈને ફ્રી મૂવી જોવાની લાલચ પડી ભારે:મોબાઈલ હેક કરી ખાતામાંથી ₹1.22 લાખ પડાવ્યા; સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ

Gujarat5/26/2026, 4:41:24 AM
ભાવનગરમાં સસરા-જમાઈને ફ્રી મૂવી જોવાની લાલચ પડી ભારે:મોબાઈલ હેક કરી ખાતામાંથી ₹1.22 લાખ પડાવ્યા; સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ
ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી અને વેબ સિરીઝ જોવાની જાહેરાત જોઈને અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભાવનગરના સસરા-જમાઈને ભારે પડી છે. મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તમામ પરમિશન આપતાં જ બંનેના ફોન હેક થઈ ગયા હતા. ત્યારબાદ સાયબર ઠગોએ સસરાના બેંક ખાતામાંથી ₹52,000 અને જમાઈના ખાતામાંથી ₹70,000 મળી કુલ ₹1,22,000 ઓનલાઇન ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતી વખતે એપ ડાઉનલોડ કરી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા અને નિર્મળનગરમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારી પરેશભાઈ છગનભાઈ કુવરાણીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત 5 મે, 2026ના રોજ તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ્સ જોઈ રહ્યા હતા, ત્યારે 'ટ્યુબી ટીવી' નામની એપની એક જાહેરાત આવી હતી, જેમાં ફ્રી મૂવી અને વેબ સિરીઝ આપવાનો દાવો કરાયો હતો. આ લાલચમાં આવીને પરેશભાઈએ પોતાના મોબાઈલમાં તમામ પરમિશન આપીને તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી હતી. બ્લુટુથથી જમાઈને એપ મોકલી અને બંને સાથે ફ્રોડ થયું એપ્લિકેશન શરૂઆતમાં 2થી 3 દિવસ વ્યવસ્થિત ચાલી હતી. આથી પરેશભાઈએ તેમના જમાઈ ધ્રુમીલભાઈ ભાવેશભાઈ પટેલને પણ ફ્રીમાં મૂવી જોવા માટે આ એપ અંગે વાત કરી હતી અને 8 મે, 2026ના રોજ બ્લુટુથ મારફતે આ એપ્લિકેશન જમાઈના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. એપ ઇન્સ્ટોલ થતાં જ બીજા દિવસે એટલે કે 9 મેના રોજ જમાઈ ધ્રુમીલભાઈનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી ₹70,000 ઓનલાઇન ઉપડી ગયા હતા. નાણાં ઉપડતાં જ જમાઈએ સસરાને જાણ કરી અને સસરાએ તુરંત પોતાના મોબાઈલમાંથી પણ તે એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેના બીજા જ દિવસે સસરા પરેશભાઈનો ફોન પણ હેક થયો હતો અને ઠગોએ તેમના બેંક એકાઉન્ટમાંથી પણ ₹52,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. નવા કાયદા (BNS) અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાની વહેલી તકે જાણ થતાં જ પરેશભાઈએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે અજાણ્યા સાયબર ગુનેગાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 319(2) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની કલમ 43A, 43(F) અને 66(d) મુજબ ગુનો નોંધીને છેતરપિંડી આચરનાર આઈડી અને બેંક ખાતાના લોકેશન ટ્રેસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →