ભાવનગર RTOનું સતત બીજા દિવસે ચેકિંગ:સ્કૂલ-કોલેજના 22 વાહનો દંડાયા, ₹1.20 લાખથી વધુનો દંડ વસૂલાયો

Gujarat6/9/2026, 3:46:04 AM
ભાવનગર RTOનું સતત બીજા દિવસે ચેકિંગ:સ્કૂલ-કોલેજના 22 વાહનો દંડાયા, ₹1.20 લાખથી વધુનો દંડ વસૂલાયો
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ ભાવનગર આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે પણ સ્કૂલ અને કોલેજમાં વપરાતા વાહનો સામે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો અને સ્કૂલ વાન-બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નિયમભંગ બદલ આકરો દંડ, વાહનચાલકોમાં દોડધામ આજરોજ (9 જૂન) સતત બીજા દિવસે શહેરના સરદાર પટેલ સ્કૂલ અને હિલ પાર્ક ચોકડી રોડ પાસે RTO ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વહેલી સવારથી જ વોચ ગોઠવીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતાં કુલ 22 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડવા, પરમિટનો ભંગ, ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, થર્ડ પાર્ટી વીમો ન હોવો તેમજ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટના અભાવ જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ જોવા મળ્યો હતો. આ તમામ વાહનો પાસેથી આરટીઓ વિભાગ દ્વારા અંદાજે ₹1,20,000 થી વધુનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી, ડ્રાઈવ નિયમિત ચાલુ રહેશે: RTO ઇન્સ્પેક્ટર આ અંગે વિગતો આપતાં આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારીની કડક સૂચના અનુસાર શહેરની વિવિધ સ્કૂલોની બહાર આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમારો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનોના કાગળો બરાબર છે કે કેમ અને વાહનની યાંત્રિક સ્થિતિ (મેકેનિકલ કન્ડિશન) ફિટ છે કે નહીં તેની ચકાસણી કરાઈ રહી છે. જે ખાનગી વાહનો પાસે વિદ્યાર્થી લાવવા-લઇ જવાની પરમિટ ન હોવા છતાં ગેરકાયદે ફેરા મારતા હતા, તેમની સામે પણ આકરી પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રોજેરોજ સતત ચાલુ રહેશે. વાલીઓને RTOની અપીલ, કાગળો તપાસ્યા બાદ જ બાળકને વાહનમાં બેસાડો આરટીઓ અધિકારીએ મીડિયાના માધ્યમથી વાલીઓને પણ એક ખાસ અપીલ કરી છે કે, તમારા બાળકોને જે સ્કૂલ બસ, વાન કે રિક્ષામાં મોકલો છો, તેના નિયમ પ્રમાણેના તમામ દસ્તાવેજો, વીમો, પરમિટ અને વાહનની કન્ડિશન વાલીઓએ જાતે એકવાર ખાસ તપાસી લેવી જોઈએ. પૂરેપૂરી ખરાઈ કર્યા બાદ જ બાળકને શાળાએ મોકલવા માટે પરિવહનનો ઉપયોગ કરવો, જેથી તેમની સુરક્ષા સામે કોઈ જોખમ ન ઊભું થાય. આરટીઓની આ કડક કાર્યવાહીના કારણે હવે સ્કૂલ-કોલેજના સંચાલકો અને વાહન માલિકો પોતાના વાહનોના અધૂરા કાગળો તેમજ સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવા માટે દોડતા થઈ ગયા છે.
Read Original Article →