કુંભારવાડામાં PGVCLની ઘોર બેદરકારી:વીજપોલનો મુખ્ય વાયર બળતાં ઘરોમાં ફ્રીજ-ટીવી સહિતના કિંમતી ઉપકરણો ખાખ; સ્થાનિકોમાં ભારે આક્રોશ
ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં PGVCLની ગંભીર લાપરવાહી સામે આવી છે. કુંભારવાડાની મિલની ચાલી લક્ષ્મીનગર વિસ્તારમાં વીજપોલનો મુખ્ય વાયર અચાનક બળી જવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો છે. વીજળીના આ ધાંધિયા અને હાઈ-લો વોલ્ટેજના કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં રાખેલા હજારો રૂપિયાના કિંમતી વીજ ઉપકરણો બળીને ખાખ થઈ જતાં મધ્યમવર્ગીય પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વોલ્ટેજની વધ-ઘટથી ઘરોમાં આર્થિક ફટકો
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર લાઈટના વોલ્ટેજમાં ભારે વધ-ઘટ થવાની સમસ્યા પ્રવર્તી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાવરના આ ધાંધિયાથી લોકો પહેલેથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, તેમાં પણ તાજેતરમાં જ મુખ્ય વાયર બળી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. અચાનક આવેલા હાઈ વોલ્ટેજને કારણે લાઈન સાથે જોડાયેલા અનેક ઘરોના ટીવી, ફ્રીજ, પાણીની મોટર, પંખા અને ટ્યુબલાઈટો સહિતના સાધનો એકાએક બળીને નકામા થઈ ગયા છે. રજૂઆત કરવા છતાં અધિકારીઓ 'ખો' આપે છે
ભોગ બનનારા નાગરિકોએ PGVCL તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, જ્યારે પણ આ ગંભીર સમસ્યા અંગે વીજ કંપનીની કચેરીએ ફોન કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે કોઈ તાત્કાલિક કે સંતોષકારક પગલાં લેવામાં આવતા નથી. અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં PGVCL ના બહેરા તંત્રના પેટનું પાણી હલતું નથી. જર્જરિત વાયરો બદલવા ઉગ્ર માંગ
અવારનવાર શોર્ટ સર્કિટ અને વાયર બળવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે વીજ કંપની આ બાબતને ગંભીરતાથી લઈને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેમજ વિસ્તારના તમામ જર્જરિત વાયરો સત્વરે બદલે તેવી લોકમાંગ ઉઠી છે. હવે જોવાનું એ રહે છે કે જનતાના આ ઉગ્ર આક્રોશ બાદ PGVCL ના ઉચ્ચ અધિકારીઓ જાગશે કે પછી ગ્રાહકોને આમ જ હેરાન થવા માટે છોડી દેશે.
Read Original Article →