સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવનાર મહિલાની મિલકત જપ્ત કરાશે:પોલીસે સંપત્તિ ટાંચમાં લેવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, મહિલાઓનું શોષણ કરી રૂ.80 લાખની વૈભવી મિલકત ખરીદી

Gujarat5/20/2026, 2:13:18 PM
સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવનાર મહિલાની મિલકત જપ્ત કરાશે:પોલીસે સંપત્તિ ટાંચમાં લેવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, મહિલાઓનું શોષણ કરી રૂ.80 લાખની વૈભવી મિલકત ખરીદી
ભાવનગર શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં માનવ તસ્કરી તથા ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવતી શબાના ફારૂકભાઈ થીમ નામની મહિલા વિરુદ્ધ નિલમબાગ પોલીસે તાજેતરમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાએ આ અનૈતિક ધંધાની કમાણીમાંથી અંદાજે ₹80 લાખની વૈભવી મિલકત વસાવી હતી. મિલકત જપ્ત કરવા માટે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 107 હેઠળ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. ભૂતકાળમાં પણ સમાન ગુનાઓમાં સંડોવાયેલી આ મહિલા સામે સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના ભાગરૂપે પોલીસે આ કડક પગલું ભર્યું છે. સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ પોલીસે શહેરના બે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાન નં. 309માં ચાલતા "આયુર થાઇ ફેમીલી સ્પા" અને શિવા બ્લેસીંગ બિલ્ડીંગના બીજા માળે આવેલા "ક્રિસ્ટલ ફેમીલી સ્પા"નો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સ્પામાં મસાજના બહાને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. મહિલાઓને ત્યાં જ રાખીને, તેમને ધમકીઓ આપીને તેમનું આર્થિક અને શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સ્પા સંચાલક મહિલા દ્વારા નિયંત્રિત કરવામાં આવતી હતી. આરોપી પૃષ્ઠભૂમિ અને કાયદાકીય ગુનાઓ આ મામલે કુંભારવાળા અપનાનગરની વતની અને હાલ રિંગરોડ શ્રીજી પાર્ટી પ્લોટ પાસે શિવધારા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી આરોપી શબાના ફારૂકભાઈ થીમ સામે નિલમબાગ પોલીસ મથકમાં બે અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી શબાના સામે અગાઉ વર્ષ 2016 અને વર્ષ 2025માં પણ આ જ પ્રકારના ગુનાઓ નોંધાયા હોવા છતાં તેણે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ગેરકાયદેસર કમાણીમાંથી ખરીદી મિલકત પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી શબાનાએ વર્ષ 2022માં "આયુર થાઇ ફેમીલી સ્પા" વાળી દુકાન સૌપ્રથમ ભાડે રાખીને આ વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ આ અનૈતિક ધંધામાંથી મળેલી કાળી કમાણીનો ઉપયોગ કરીને તેણે એ જ દુકાન ખરીદી લીધી હતી. આશરે ₹80 લાખની બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદેસર આવકમાંથી ઊભી કરાઈ હોવાનું સાબિત થતાં પોલીસે નવા કાયદા મુજબ તેને ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરી છે.
Read Original Article →