ભાવનગરમાં i-20 કારમાં બકરાની ચોરી કરતી નડિયાદની ત્રિપુટી ઝડપાઈ:LCBએ ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, વલ્લભીપુરની લૂંટનો ભેદ ઉકેલાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુતેશ્વર રોડ પર આવેલા પીપળીયા પુલ બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ i-20 કારમાંથી ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી એક ચોરેલો બકરો, કાર અને 3 મોબાઇલ ફોન સહિત કુલ ₹2,25,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં પશુ ચોરી કરતી આ આંતરજિલ્લા ગેંગે વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘેટાંની લૂંટ-ચોરીના વણશોધાયેલા ગુનાની પણ કબૂલાત કરી છે. એલસીબી પોલીસે ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઘોઘા પોલીસને સોંપ્યા છે. બાતમીના આધારે કાર સાથે નડિયાદના ત્રણ શખ્સો ઝડપાયા
મળતી વિગતો અનુસાર, ભાવનગર એલસીબી પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભુતેશ્વર રોડ, પીપળીયા પુલ બસ સ્ટેન્ડ પાસે એક i-20 કાર (નંબર: GJ-27-CM-2412)માં ત્રણ શખ્સો બોકડા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરતા કાર સાથે હાર્દિક ઉર્ફે રાહુલ અશોકભાઇ તળપદા (ઉં.વ. 27), રોહિત દિનેશભાઇ ઉર્ફે રમેશભાઇ તળપદા (ઉં.વ. 26) અને કલ્પેશભાઇ અરવિંદભાઇ તળપદા (ઉં.વ. 34) (તમામ રહેવાસી: નડિયાદ, જિ. ખેડા) મળી આવ્યા હતા. તેમની પાસેથી ₹10,000ની કિંમતનો બકરો, ₹2,00,000ની કિંમતની કાર અને ₹15,000ની કિંમતના 3 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ મુદ્દામાલ અંગે કોઈ બિલ કે સંતોષકારક આધાર ન મળતા પોલીસે આ શંકાસ્પદ મિલકત કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. ખોરાકની લાલચ આપી કારમાં પશુઓ ભરી જતા હોવાની કબૂલાત
પોલીસની કડક પૂછપરછમાં આ ચોરી કરનાર ટોળકીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આ ગેંગ દિવસ દરમિયાન કાર લઈને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરતી હતી અને રસ્તા પર રખડતા કે ચરતા ઘેટાં-બકરાંને ખોરાકની લાલચ આપી કાર પાસે બોલાવતી હતી. પશુ નજીક આવતા જ તેને બળજબરીથી કારમાં ભરીને ચોરી કરી લેતા હતા. પકડાયેલો બોકડો તેઓ ઘોઘા ગામ નજીક રોડ પર આવેલા એક મંદિર પાસેથી ચોરી કરીને લાવ્યા હતા. વધુ પૂછપરછમાં આરોપી હાર્દિકે કબૂલાત કરી હતી કે, આજથી આશરે 3 મહિના પહેલાં તેણે પોતાના મિત્ર સંજય અને અન્ય સાગરીતો સાથે મળીને વલ્લભીપુર વિસ્તારમાંથી પણ ઘેટાંની ચોરી કરી હતી. આ ઘેટાં ભરવા માટે તેઓ ખેડા જિલ્લાના અંધાજ ગામના વિક્રમ પ્રતાપભાઇ ઠાકોરની i-20 કાર લઈને આવ્યા હતા અને ઘેટાં ચોરીને નળ સરોવર નજીકના એક ગામમાં સંજયને સોંપ્યા હતા. અન્ય બે ફરાર સાગરીતોની શોધખોળ શરૂ
ક્રાઇમ બ્રાન્ચે પશુ ચોરીના આ આખી ટોળકીનો પર્દાફાશ કરીને પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની તપાસ માટે ઘોઘા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર શખ્સો વિક્રમ પ્રતાપભાઇ ઠાકોર અને સંજયને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો હોવાથી તે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →