'આ સરકાર તો કાંઈ જીવવા દેવાની નથી', VIDEO:'દેશના વિકાસ માટે જરૂરી છે એટલે ભાવવધારો ન કહેવાય', પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા પર ભાવનગરવાસીઓએ શું કહ્યું?
પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે મધ્યરાત્રિથી થયેલા 3 રૂપિયાના ભાવવધારાને પગલે સામાન્ય જનતા અને વાહનચાલકોને મોંઘવારીના આ ડામ પર લોકો પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં ભાવનગરમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 3.14 રુપિયાનો વધારો કરતા ભાવ રૂપિયા 99.09 પર પહોંચ્યો છે. જ્યારે ડીઝલમાં 3.09 વધારો કરતા પ્રતિ લિટરનો ભાવ 94.87 રૂપિયા પર પહોંચ્યો હતો. 'જૂના વાહનો એ મા-બાપ જેવા છે, એને કેમ છોડાય?'
સરકારના નિર્ણયો સામે સ્થાનિક નાગરિક હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, 3 રૂપિયા વધ્યા હવે આમાં શું થાય, સરકાર જે કરે એ સાચું. આ જૂના વાહનોને ક્યાં નાખવા? મા-બાપ હોય એને કાઢી નખાય? એને તો સાચવવા જ પડે ને! કાંઈ બીજા થોડા લેવાય છે? વળી, 50 વર્ષથી સ્કૂટર ફેરવવાની ટેવ હોય, હવે આપણને ચાલવાનું ક્યે તો કેમ ચલાય ? દેશના વિકાસ માટે ભાવવધારો વ્યાજબી:મનિષ ભટ્ટ
સરકારના આ નિર્ણયને દેશહિતમાં ગણાવતા મનીષ ભટ્ટે આ ભાવવધારાનું સમર્થન કર્યું હતું તેમણે જણાવ્યું કે, દેશના વિકાસ માટે અત્યારની પરિસ્થિતિમાં આટલો વધારો જરૂરી છે અને આને બહુ મોટો વધારો ન કહેવાય. સરકારે લાંબા સમય પછી આ વધારો કર્યો હોવાથી તે તદ્દન વ્યાજબી છે. અન્ય દેશો સાથે સરખામણી કરતા તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે જોતા આજે ભારતની આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે. 'હવે રિક્ષા બંધ કરીને નિવૃત્ત જીવન જીવીશું'
ભાવવધારાની સૌથી માઠી અસર રોજિંદું કમાઈને ખાતા વર્ગ પર પડી છે. ત્યારે રિક્ષાચાલક અમુભાઈએ જણાવ્યું હતું કે, હવે રિક્ષા બંધ કરી દેવાની અને નિવૃત્ત જીવન ગાળવાનું! જ્યાં સુધી પોસાય ત્યાં સુધી રિક્ષા ચલાવીશું. બાકી આ સરકાર કાંઈ જીવવા દેવાની નથી. ક્યાં એક જમાનામાં 35 રૂપિયા ભાવ હતો અને ક્યાં આજે 99 રૂપિયા.
Read Original Article →