14 મે 1939ની એ કાળી રાત અને બે વીરોનું બલિદાન:સરદાર પટેલના પ્રાણ બચાવનાર વીર શહીદ બચુભાઈ અને જાદવજીભાઈને 87મી પુણ્યતિથિએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ
આજથી 87 વર્ષ પૂર્વે ભાવનગરની ધરતી પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર થયેલા જીવલેણ હુમલાને નિષ્ફળ બનાવી પોતાનું બલિદાન આપનાર બે વીર સપૂતો, બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદીની શહીદીને આજે ભાવનગરવાસીઓએ ગૌરવભેર યાદ કરી હતી, જેમાં સરદાર યુવા મંડળ દ્વારા ખારગેઇટ ચોક ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે યુવાનો સરદારની 'ઢાલ' બન્યા આ ઘટના 14 મે 1939ના રોજ ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું હતું, જેમાં રેલવે સ્ટેશનથી ખુલ્લી જીપમાં સરદાર સાહેબનું ભવ્ય સરઘસ નીકળ્યું હતું, આ સમયે કણબીવાડના બે નીડર યુવાનો, બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદીને સરદાર પર હુમલો થવાની આશંકા જાગતા તેઓ રક્ષણ માટે જીપની નજીક જ રહ્યા હતા.,જેવું સરઘસ ખારગેઇટ ચોક પહોંચ્યું, ત્યારે નગીના મસ્જિદમાંથી અચાનક 25 થી 30 જેટલા સશસ્ત્ર હુમલાખોરોએ સરદાર પટેલ પર તલવારો વડે હુમલો કર્યો હતો, આ કટોકટીની પળે બંને યુવાનો ઢાલ બનીને સરદારની આડે આવી ગયા અને તલવારોના તમામ ઘા પોતાના શરીર પર ઝીલી લીધા હતા, આ હુમલામાં બચુભાઈ પટેલનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે જાદવજીભાઈ મોદીએ સર ટી. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના પ્રાણની આહુતિ આપીને આ બંને વીરોએ ભાવનગરના ઇતિહાસ પર લાગનારી 'કાળી ટીલી' રોકી લીધી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ આજના આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, ગણેશ ચમારડી, મહામંત્રી મુકેશ ડાભી, સ્થાનિક નગરસેવકો, ખારગેઇટ ચોકના વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બંને વીર શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સાહસને બિરદાવ્યું હતું. "ઇતિહાસના પાને આ ઘટના જેટલી ઉજાગર થવી જોઈતી હતી એટલી કદાચ નથી થઈ, પરંતુ સરદાર યુવા મંડળ દર વર્ષે 14મી મેના રોજ આ કાર્યક્રમ યોજીને નવી પેઢીને આ બલિદાનની યાદ અપાવે છે તે પ્રશંસનીય છે" આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર યુવા મંડળના સભ્યો ભરત મોણપરા, મનીષ પરમાર, કાનજી બાંભણીયા, ભરત મકવાણા, અશોક પંડ્યા, યોગેશ દિયોરા, અશોક મકવાણા, રાજુભાઈ ભાવસાર, જયરાજસિંહ ગોહિલ, જે.ડી.ધાપા, ભરત સોલંકી, કાળુ રબારી, સંજય મેણીયા, કાળુ જાદવ અને ડી.એન.સવાણી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Read Original Article →