નિર્મળનગરમાં અસામાજિક તત્વોના ત્રાસથી જનતા ત્રાહિમામ:તલવારો-ધારિયાં બતાવી અપાતી ધમકીઓ વચ્ચે લોકો ‘હિજરત’ કરવા મજબૂર, ન્યાય માટે SP કચેરીએ દોડ્યા
ભાવનગર શહેરના પ્રખ્યાત નિર્મળનગર વિસ્તારમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા લાંબા સમયથી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલી ગુંડાગર્દી, દાદાગીરી અને નશાખોરીના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓ સાથે શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડી રહ્યો છે. પોલીસની ઢીલી કામગીરીથી કંટાળીને આજે નિર્મળનગર વિસ્તારના ત્રાસી ગયેલા સ્થાનિક રહીશો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા (SP) ની કચેરી ખાતે દોડી આવ્યા હતા. રહીશોએ એસપી નિતેશ પાંડેયને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી આ માફિયા ગેંગ વિરૂદ્ધ કડક પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે. “રાત્રે દારૂ પીને ધમાલ મચાવે છે, બહેન-દીકરીઓ સુરક્ષિત નથી”: વસંતબેન વાઘેલા
સ્થાનિક મહિલા વસંતબેન વાઘેલાએ એસપી કચેરી બહાર મીડિયા સમક્ષ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “અમે એસપી નિતેશ પાંડેય પાસે ન્યાયની ભીખ માંગવા આવ્યા છીએ. વિસ્તારમાં 15થી 29 જેટલા લુખ્ખા તત્વોનું ટોળું છે, જે અવારનવાર ધાક-ધમકીઓ આપે છે. અડધી રાત સુધી દારૂના નશામાં ધૂત થઈને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલે છે. જો અમે વિરોધ કરીએ કે પોલીસ ફરિયાદની વાત કરીએ તો તેઓ કહે છે કે, ‘જ્યાં જવું હોય ત્યાં જાવ, અમારું કોઈ કંઈ બગાડી નહીં લે, અમે તો બીજા જ દિવસે જેલમાંથી છૂટીને પાછા આવી જઈશું અને પછી તમને જોઈ લઈશું.’ વિસ્તારમાં રેલવે પાટા પાસે અમારી બહેન-દીકરીઓનું નીકળવું પણ દુભર થઈ ગયું છે. આ ચોર-લુખ્ખાઓ અમારા વાડામાંથી પાણીની મોટર, ગેસના બાટલા અને ઘરવખરી પણ ચોરી ગયા છે. આવી દાદાગીરી વચ્ચે અમે કેમ જીવીએ?” “તલવારો-ધારિયાં લઈને 25 લોકોની ગેંગ ફરે છે”: કૃપાલસિંહ ચૌહાણ
અન્ય એક સ્થાનિક રહીશ કૃપાલસિંહ ભૂપતસિંહ ચૌહાણે આ મામલે ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું કે, “નિર્મળનગરની અંદર ૨૦ થી ૨૫ અસામાજિક તત્વોની એક આખી સંગઠિત ગેંગ સક્રિય છે. આ લુખ્ખાઓ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ અને ગાંજા વેચવાનું આખું નેટવર્ક ચલાવી રહ્યા છે. અમારે શાંતિથી રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ લોકો જાહેરમાં તલવારો અને ધારિયાં જેવા જીવલેણ હથિયારો લઈને ફરે છે અને લોકોને ડરાવે છે. આ બાબતે આઠ-દસ દિવસ પહેલા જ નિર્મળનગરના તમામ રહીશોએ ભેગા થઈને ‘એ ડિવિઝન’ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી પરંતુ, પોલીસના નબળા વલણને કારણે આ નશાખોરો માત્ર બે દિવસ શાંત રહ્યા અને હવે ફરી પાછું આખું ટોળું હથિયારો સાથે નીકળીને ધાક જમાવી રહ્યું છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હવે અમે બધા ઘર વેચીને અહીંથી હિજરત કરવાનું વિચારી રહ્યા છીએ.” રહીશોની કલેક્ટર અને એસ.પી. પાસે તાકીદની માંગણીઓ
નિર્મળનગરના નાગરિકોએ કાયદાના રક્ષકો સામે સવાલ ઉઠાવતા એસપી પાસે નીચે મુજબના કડક પગલાં લેવાની લેખિત માંગ કરી છે: ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી: વિસ્તારમાં આતંક મચાવતી 25 લોકોની ડ્રગ્સ-દારૂ માફિયા ગેંગના મુખ્ય સાગરીતોને તડીપાર કે પાસા (PASA) હેઠળ જેલભેગા કરવામાં આવે. 24 કલાક પોલીસ પોઇન્ટ: બહેન-દીકરીઓની સુરક્ષા માટે પાટા પાસે અને સોસાયટીના નાકે કાયમી પોલીસ ચોકી અથવા રાઉન્ડ-ધ-ક્લોક પીસીઆર (PCR) વેન તૈનાત કરવામાં આવે. નશાના અડ્ડાઓ પર સપાટો: વિસ્તારમાં ચાલતા ગાંજા અને ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસ તાત્કાલિક દરોડા પાડીને તેને નેસ્તનાબૂદ કરે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે આ બાબતને ગંભીરતાથી લઈ સ્થાનિક રહીશોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ભાવનગર પોલીસ દ્વારા કડક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
Read Original Article →