1 રીલના ₹5,000 લેખે 6 મહિનામાં ₹8.75 લાખનું આંધણ:ભાવનગર મનપાએ ટેન્ડર વગર માત્ર અરજી પર યુટ્યુબરને કોન્ટ્રાક્ટ સોંપ્યો, GST વગરના પર્સનલ બિલ મંજૂર થતાં કૌભાંડની શંકા

Gujarat5/23/2026, 4:27:33 AM
1 રીલના ₹5,000 લેખે 6 મહિનામાં ₹8.75 લાખનું આંધણ:ભાવનગર મનપાએ ટેન્ડર વગર માત્ર અરજી પર યુટ્યુબરને કોન્ટ્રાક્ટ સોંપ્યો, GST વગરના પર્સનલ બિલ મંજૂર થતાં કૌભાંડની શંકા
સરકારી નાણાં અને પ્રજાની પરસેવાની કમાણીનો કઈ રીતે ધુમાડો કરી શકાય તેનો ઉત્તમ નમૂનો ભાવનગર મહાનગરપાલિકા (BMC)માં સામે આવ્યો છે. મનપાના સોશિયલ મીડિયા હેન્ડલિંગ અને રીલ્સ બનાવવા માટે પાર્થ અનઘણ નામના એક યુવકને કોઈ પણ પ્રકારની વૈધાનિક ટેન્ડર પ્રક્રિયા વગર, માત્ર એક સામાન્ય કાગળ પરની અરજીના આધારે લાખો રૂપિયાનો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. તમામ નિયમોને નેવે મૂકીને કરાયેલા આ ચૂકવણાને પગલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તમામ નિયમો સરકારી કબાટમાં બંધ,14 નવેમ્બર-2025ના રોજ ઠરાવ પસાર કરાયો સામાન્ય રીતે સરકારી કે અર્ધસરકારી વિભાગોમાં કોઈપણ પ્રોજેક્ટ કે કામગીરી સોંપવા માટે કાયદાકીય જોગવાઈ મુજબ જાહેર ટેન્ડર બહાર પાડીને ભાવો મંગાવવાના હોય છે. પરંતુ આ કિસ્સામાં પાર્થ અનઘણ નામના યુવકે માત્ર એક સ્વનિર્ભર અરજી કરી અને સક્ષમ સત્તાધીશોએ તેના પર કોઈ જ ખરાઈ કર્યા વિના તાત્કાલિક મંજૂરીની મહોર મારી દીધી હતી. તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગત 14 નવેમ્બર, 2025ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ પસાર કરીને કાયદાના લીરેલીરા ઉડાડતી આ પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી હતી. વોચમેન આખો મહિનો કામ કરે ત્યારે ₹8,000 મળે, અહીં એક રીલના ₹5,000: કિશન મેર આ ચોંકાવનારી ગેરરીતિ સામે કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર કિશન મેરે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાવનગરમાં અઢળક ડિગ્રીધારી યુવાનો બેરોજગાર રખડી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની સત્તાવાર રોજગાર જાહેરાત કે ટેન્ડર મંગાવ્યા વગર જ સીધી અરજીના આધારે એક વ્યક્તિને લહાણી કરી દેવાઈ છે. એક ગરીબ વોચમેન રૂ. 6,000થી રૂ. 8,000ના માસિક પગારમાં આખો મહિનો ટાઢ-તડકો વેઠીને કામ કરે છે, જ્યારે અહીં માત્ર કેમેરો અને મોબાઈલ લઈને એક મિનિટની રીલ બનાવવાના રૂ. 5,000 ચૂકવવામાં આવે છે! આ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ અને ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. આગામી દિવસોમાં હું આ અણઘડ વહીવટ સામે મનપામાં ઉગ્ર આંદોલન કરીશ. તેમણે મનપા કમિશનર પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, જો કમિશનર સાહેબને આ રૂ. 6 લાખની રકમ સામાન્ય લાગતી હોય, તો તેમણે ગરીબ જનતાના વેરા પોતાના ખિસ્સામાંથી ભરી દેવા જોઈએ. આમાં પ્રજાના પૈસાનો કોઈ વેડફાટ થતો નથીઃ ડૉ. ભાનુબેન બીજી તરફ, આ વિવાદ અંગે ભાવનગર મનપાના જનસંપર્ક અધિકારી (PRO) ડૉ. ભાનુબેન પરમારે શાસક પક્ષ અને વહીવટી તંત્રનો બચાવ કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ જેવી ડિજિટલ એપ વધુ ઉપયોગમાં લેવાય છે, તેથી યુવા પેઢી સુધી ઝડપથી પહોંચવા આ જરૂરી છે. આમાં પ્રજાના પૈસાનો કોઈ વેડફાટ થતો નથી, ઊલટાનું લોકોને સરકારી યોજનાઓની માહિતી મળે છે. રીલ બનાવવા માટે જે વ્યક્તિની અરજી આવી હતી, તેને નિયમાનુસાર સક્ષમ સત્તાની મંજૂરી બાદ જ કામ સોંપાયું છે, આ માટે કોઈ ટેન્ડર મંગાવવામાં આવ્યા નથી. આ રીલ મેકર પાસેથી મુખ્યત્વે 'સિટી એન્જિનિયર કચેરી' દ્વારા વિકાસકાર્યો જનતા સુધી પહોંચાડવા માટે કામ લેવાય છે. GST વગરના પર્સનલ બિલ સ્વીકારી લેવાયા, સૌથી મોટો નાણાકીય ગુનો આ સમગ્ર મામલામાં ઓડિટ અને એકાઉન્ટ વિભાગની ભૂમિકા સામે પણ શંકાની સોય તણાય છે. નિયમ મુજબ કોઈપણ સરકારી ચૂકવણી એજન્સી કે રજિસ્ટર્ડ કંપનીના નામે જ વ્યાપારી બિલ અને GST નંબર સાથે થવી જોઈએ. પરંતુ અહીં આટલી મોટી રકમનું ચૂકવણું કોઈ કંપનીના નામે નહીં, પરંતુ સીધું વ્યક્તિના પર્સનલ નામે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરકારી ઓડિટના નિયમોના લીરેલીરા ઉડાડીને GST વગરના કાચા બિલ સ્વીકારીને પેમેન્ટ પાસ કરી દેવામાં આવ્યું છે. હાલ આ મુદ્દો ભાવનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પબ્લિકના ટેક્સના પૈસાના આ આંધળા ધુમાડા સામે વિપક્ષ આગામી દિવસોમાં મનપાની સામાન્ય સભા ગજવવા અને કાનૂની પગલાં લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.
Read Original Article →