ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે ઘસારો:ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટીના ઉમેદવારોએ ભર્યા, કોંગ્રેસે પણ 34 થી વધુ બેઠકો પર પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દીને ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તે પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, પ્રભારી, શહેર પ્રમુખ સહિતના લોકોની ઉપસ્થિતિમાં એક સભા યોજાઈ હતી. ત્યારબાદ તમામ વાજતે ગાજતે રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પોતાના ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસના 27 તેમજ આપ પાર્ટી,બહુજન પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ગઈકાલે ભાજપે પોતાના જાહેર કરેલા ઉમેદવારો જેમાં 52 પૈકી માત્ર 9 નગરસવકો ને રિપીટ કરી બાકી 45 નવા ચહેરા સાથે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દીને સૌ પ્રથમ ભાજપ શહેર કાર્યાલય ખાતે એક જંગી સભા યોજી હતી. જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, ભાવનગરના પ્રભારી, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, 52 ઉમેદવારો સહિતના મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત નેતાઓ 7 મી વાર જંગી જીતની આશા વ્યક્ત કરી હતી, તેમજ આ વખતે તમામ 52 ઉમેદવારો વિજેતા બને તેવા ભગીરથ પ્રયાસો સાથે ચૂંટણી પ્રચારમાં કાર્યકરોને જોડાઈ જવા અપીલ કરી હતી. ત્યારબાદ ભવ્ય રેલી યોજી કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને તમામ 52 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ તકે ભાજપે નવા ચહેરાને સ્થાન આપવા બાબતે કહ્યું કે લોકો ભાજપે કરેલા વિકાસના કામોને ધ્યાને રાખી ભાજપને મત આપે છે જ્યારે વ્યક્તિ ગૌણ બની જાય છે ત્યારે ફરી આ ચૂંટણીમાં 7 મી વાર ભાજપ સત્તા પ્રાપ્તિ કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ અને આપ પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે અહીં 52 બેઠક માટે 560 લોકો ની દાવેદારી હતી જ્યારે અન્ય પાર્ટી ને હજુ યોગ્ય ઉમેદવારો મળતા નથી જ્યારે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિન છે.
Read Original Article →