'ઓફિસમાં ધોકા-પાઈપથી મને આખી રાત માર્યો':ભાવનગરમાં અપહરણ કરી સગીરને ધોઈ નાખ્યો, આખા શરીરે લાલ ચકામા; મોબાઈલ ચોરી ન કરી છતાં કબૂલાતનો વીડિયો બનાવ્યો
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે. ગત મોડીરાત્રે શિશુવિહાર વિસ્તારના 17 વર્ષીય સગીરનું છ શખસોએ બળજબરીથી કારમાં અપહરણ કરી ઓફિસમાં રાખી આખી રાત ઢોરમાર માર્યો હતો. સગીરે મોબાઈલ ચોરી ન કરી હોવા છતાં છરી બતાવી મોબાઈલ ચોરીની કબૂલાતનો વીડિયો મોબાઈલમાં ઉતારી આ પ્રકરણે કોઈને કહીશ કે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે મામલે પોલીસે છ શખસો સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અપહરણ અને મારામારીની ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. સગીરે ડરના માર્યાં મિત્ર સાથે ગયો હોવાનું કહ્યું
મળતી વિગતો અનુસાર, સગીરની માતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 4 જૂનના લગભગ 1 વાગ્યાના સમયે 17 વર્ષીય પુત્ર ઘરેથી બહાર જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે 3:30 વાગ્યા સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારજનોને જગાડીને શોધખોળ શરૂ કરી હતી. આસપાસના પાન ગલ્લા અને નજીકના વિસ્તારોમાં તપાસ છતાં કોઈ માહિતી મળી નહોતી. શરીરે લાલ ચકામા જોઈ પરિવારને શંકા ગઈ
ત્યારબાદ વહેલી સવારે લગભગ 6 વાગ્યે સગીર ઘરે પરત આવ્યો અને સીધો પોતાના રૂમમાં જઈ સુઈ ગયો હતો. શરૂઆતમાં તેણે પરિવારને કહ્યું કે તે મિત્ર સાથે ઘોઘા ગયો હતો, પરંતુ પછીથી તેના શરીર પર હાથ, કાંડા, પગ અને સાથળ સહિતના ભાગમાં ગંભીર ઈજાના નિશાન જોવા મળતા પરિવારને શંકા ઊભી થઈ હતી. આરોપીઓ સગીરને કારમાં બેસાડી ઓફિસે લઈ ગયા
બપોરના સમયે જ્યારે પરિવારજનોએ તેને પૂછપરછ કરી ત્યારે સગીરે સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, રાત્રે ભીલવાડા સર્કલ નજીક નોનવેજ લારી પાસે હતો ત્યારે ક્યુમખાન પઠાણ, જુબેર, સાહિદ કુરેશી, મવાદીન, મહમદ કેફ અને એ.કે. નામના શખસે “તારી હમણાં ફરિયાદો બહુ આવે છે” કહી અપશબ્દો બોલ્યા અને છરી બતાવી ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તેને અર્ટિગા કારમાં બેસાડીને મોતીતળાવ વિસ્તારમાં આવેલી ઓફિસમાં લઈ જવાયો હતો. 'પાઈપ-ધોકાથી આખી રાત માર માર્યો'
સગીરે વધુમાં જણાવ્યું હતું કે, ત્યાં રૂમમાં બંધ કરીને તેને પ્લાસ્ટિક પાઇપ, લોખંડના પાઇપ અને મોટરસાયકલના આઉટર વાયરથી વારાફરતી આખી રાત ઢોર માર મારવામાં આવ્યો હતો. શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં જુબેર તથા કયુમ છરીઓ બતાવી આજે તો તને મારી જ નાખવો છે તેમ ધમકી આપી અને તે હમણા ઘણી ચોરીઓ કરેલી છે તેમ કહ્યું હતું. એટલું જ નહીં ક્યુમખાનના મોબાઇલમાં તેને ચોરી કરેલ છે તેવી કબુલાત કરતો વીડિયો બળજબરીથી બનાવ્યો હતો. મારના બીકે સગીરે ચોરી કર્યાંની કબૂલાત આપી હતી. કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
આટલેથી ન અટકતા સગીરને શખસોએ ધમકી આપી હતી કે,ઘરે કહીશ કે પોલીસમાં ફરીયાદ કરીશ જાનથી મારી નાખીશુ. માર માર્યાં બાદ વહેલી સવારે લગભગ 6 વાગ્યે એ.કે નામનો શખસ તેને કરચલીયાપરા વિસ્તારમાં ઉતારી ગયો હતો. જ્યાંથી તે ચાલીને ઘરે પહોંચ્યો હતો. 6 શખસો સામે ગુનો નોંધાયો
ઘટનાની જાણ થતાં પરિવારજનોએ સગીરને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે માતાની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે છ શખસો સામે BNS 189(2), 140(2), 127(2), 115(2), 352, 3(5), 351(2) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read Original Article →