ભાવનગરમાં 1200 મેડિકલ સ્ટોર્સ બંધ:ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટો આક્રમક, પ્રમુખે કહ્યું- કોઈપણ નિયંત્રણ વગર ગર્ભપાત-નશાકારક દવાઓ મળે છે
ઓનલાઇન ફાર્મસી અને ઇન્ટરનેટના માધ્યમથી થતા દવાઓના ખુલ્લેઆમ વેચાણના વિરોધમાં આજે ભાવનગર જિલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલને પગલે ભાવનગર જિલ્લાના અંદાજે 1,200 અને ભાવનગર શહેરના આશરે 400 જેટલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા છે. કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ઓનલાઇન દવાઓના કારણે દેશનું યુવાધન ખોટા માર્ગે ધકેલાઈ રહ્યું છે અને બરબાદ થઈ રહ્યું છે. નિયંત્રણ વગર ગર્ભપાત અને નાર્કોટિક્સની દવાઓ વેચાય છે: વિક્રમસિંહ ડોડીયા
ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન ફાર્મસીના કારણે નકલી દવાઓ, ગર્ભપાતની કિટ અને નાર્કોટિક્સ (નશાકારક) દવાઓ કોઈપણ પ્રકારના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે કાયદાકીય નિયંત્રણ વગર ખુલ્લેઆમ મળી રહી છે. આ ગંભીર મુદ્દે અમારી માતૃસંસ્થા AIOCD દ્વારા સરકારને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેથી અમારે મજબૂર થઈને આ બંધનું આકરૂં પગલું ભરવું પડ્યું છે. સ્થાનિક વેપાર તોડવાનો કીમિયો અને સુપરબગનું જોખમ: દક્ષેશ માણીયા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દક્ષેશ માણીયાએ હડતાલને સમર્થન આપતા ઉમેર્યું કે, "ઓનલાઇન કંપનીઓ હજારો કરોડો રૂપિયાની ખોટ કરીને પણ મોટું ડિસ્કાઉન્ટ આપે છે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક કેમિસ્ટોના પરંપરાગત વ્યવસાયને તોડી પાડવાનો છે. વળી, ઓનલાઇન ખરીદીના કારણે એન્ટીબાયોટિક દવાઓનો આડેધડ વપરાશ વધે છે, જે વડાપ્રધાનના 'એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ' (Antibiotic Resistance) ઘટાડવાના રાષ્ટ્રીય ઉદ્દેશ્યની તદ્દન વિરુદ્ધ છે. આ લડાઈ માત્ર અમારા ધંધા-રોજગાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને રક્ષણની છે." દર્દીઓ માટે જન ઔષધિ કેન્દ્રો અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રખાઈ
હડતાલ દરમિયાન લાઈફ સેવિંગ (જીવનરક્ષક) અને ઈમરજન્સી દવાઓ માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા ખાસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દર્દીઓને ભારે હાલાકી ન ભોગવવી પડે. ભાવનગરની તમામ કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલોની અંદર આવેલી ઇન-ફાર્મસીઓ (In-house Pharmacies) ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર સંચાલિત તમામ 'પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો' પણ રાબેતા મુજબ ખુલ્લા રહ્યા છે. સાથે જ જિલ્લાના દરેક તાલુકા દીઠ 2 થી 5 મેડિકલ સ્ટોર્સ ઈમરજન્સી સેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે, જો કોઈ દર્દીને કટોકટીના સમયે ગંભીર દવાની તાતી જરૂરિયાત ઊભી થાય, તો એસોસિએશનના હોદ્દેદારો કાળાનાળા ચોક ખાતે રૂબરૂ હાજર જ છે. દર્દીઓ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે અને તેમને તાત્કાલિક દવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. ઓનલાઇન ફાર્મસીના ગેરકાયદેસર અને જોખમી વેચાણ સામે ભાવનગરના તમામ કેમિસ્ટોએ એકસૂત્રતા દર્શાવીને આ હડતાલને સફળ બનાવી છે અને સરકાર પાસે કડક કાયદો લાવવાની માંગ કરી છે.
Read Original Article →