ભાવનગરમાં જમાઈ બ્લોક માથામાં મારી સસરાને મોતને ઘાટ ઉતાર્યા:પત્નીએ કામે જવાની ના પાડતા પતિ મારવા દોડ્યો, દીકરીને બચાવવા પિતા વચ્ચે પડ્યા; ઠપકો આપતા જમાઈએ હત્યા કરી
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં આજે સાંજે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા (ઉં.વ. 60) પર જીવલેણ હુમલો કરી, માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા નીપજાવતાં ચકચાર મચી ગઈ છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપતાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલ અને બોરતળાવ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમની રચના કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હીરા ઘસવાની આળસ અને નાણાકીય ખેંચથી શરૂ થયો વિવાદ
પોલીસ અને મૃતકના પરિવારજનો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક ગોરધનભાઈ ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારના સતનામ ચોકમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ તે નિયમિત કામે જતો નહોતો. ક્યારેક હીરા ઘસવા જતો અને ક્યારેક ઘરે બેસી રહેતો હોવાના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો. આજે દીકરીને કોઈ ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ તે દાખલ ન થતાં ઘરે પરત આવી હતી. સાંજે આશરે 5:30 કલાકે રાકેશ કામે ન જવાના મુદ્દે ફરી ઝઘડો થયો હતો અને રાકેશ પત્નીને મારવા દોડ્યો હતો. તે સમયે સસરા ગોરધનભાઈએ વચ્ચે પડીને જમાઈને ઠપકો આપતાં રાકેશ તેમને લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે સાગરીતો સાથે આવી સસરાને પકડી માથામાં બ્લોક માર્યો
સાંજના ઝઘડાનો અખાર રાખીને રાત્રિના સમયે જમાઈ રાકેશ તેની સાથે અન્ય સાત જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો હતો. મૃતકના દીકરા સંદીપ દલસાણિયાના જણાવ્યા મુજબ, આ ટોળાએ આવીને ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ ગોરધનભાઈને નફ્ફટાઈથી પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી પારુબેન નામની મહિલાએ ગોરધનભાઈના માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીંકી દીધો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે લોહીલુહાણ હાલતમાં ગોરધનભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ
સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલે જણાવ્યું હતું કે, હીરાની કામગીરી બાબતે ચાલી રહેલા લાંબા સમયના મનદુઃખના કારણે આ હત્યાકાંડ સર્જાયો છે. હાલ બોરતળાવ પોલીસ દ્વારા મૃતકના શવના ઇન્ક્વેસ્ટ પંચનામાની કામગીરી કરવામાં આવી રહી છે. મરણજનારના વાલી વારસદારોની પૂછપરછ કરીને સત્તાવાર રીતે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે. ગુનો આચરીને નાસી છૂટેલા જમાઈ રાકેશ, પારુબેન અને તેમની સાથે આવેલી મહિલાઓ સહિતના તમામ આરોપીઓને વહેલી તકે જેલભેગા કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દરોડા પાડી રહી છે.
Read Original Article →