SBIમાં 1.35 કરોડના લોન કૌભાંડમાં વધુ ચાર શખ્સો ઝડપાયા:લોનધારક મહિલાઓના પતિઓની સક્રિય ભૂમિકા સામે આવતા ધરપકડ, અગાઉ બે એજન્ટ સહિત સાતને દબોચ્યા હતા
ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી રૂા. 1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કડક કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં અગાઉ ધરપકડ કરાયેલી ચાર મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા નિલમબાગ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. શું છે સમગ્ર કૌભાંડ?
SBIની નિલમબાગ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશભાઈ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર મહિલા લોનધારકોએ બેંક એજન્ટો સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. પીએમઈજીપી (PMEGP) યોજના હેઠળ લઘુ ઉદ્યોગ શરૂ કરવાના બહાને એજન્ટ ભરત અડવાણી પાસેથી મશીનરી અને સ્ટોકના ખોટા બિલો મેળવ્યા હતા. અન્ય એજન્ટ સુનિલ હાસેજાએ આ બિલો સાચા હોવાનું જણાવી બેંકમાં રજૂ કર્યા હતા. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને સીસી લોન (કુલ રૂા. 1,35,00,599) નો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા નહોતા. લોનધારક મહિલાઓના પતિઓની સક્રિય ભૂમિકા
નિલમબાગ પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ છેતરપિંડીમાં લોનધારક મહિલાઓના પતિઓની પણ સક્રિય ભૂમિકા હતી. પીએસઆઈ મકવાણાના જણાવ્યા અનુસાર, પત્નીઓના નામે લોન લેવડાવી બેંક સાથે વિશ્વાસઘાત કરનાર ચારેય પતિઓની ધરપકડ કરવામાં આવી છે. વિવેક લાલવાણી, પીયૂષ શાહ, જીતેશ રાઠોડ અને નિખીલ પંડ્યા આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે. અગાઉ પકડાયેલા આરોપીઓ
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મહિલા લોનધારકો ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એજન્ટો ભરત અડવાણી અને સુનિલ હાસેજા સાથે અન્ય હૈદરઅલી માસુમઅલી નાયાણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. નિલમબાગ પોલીસે આ મામલે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બેંકિંગ ફ્રોડના આ મોટા નેટવર્કની ઊંડી તપાસ ચાલુ રાખી છે.
Read Original Article →