તસ્કોનો નવો કિમીયો:ગંગાજળિયા તળાવ પાસે LIC ઓફિસની અગાસીમાંથી ACના 110 ફૂટ કોપર પાઇપની ચોરી
ભાવનગર શહેરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વચ્ચે તસ્કરોએ હવે સરકારી અને જાહેર કચેરીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ વિસ્તારની એલ.આઇ.સી. (LIC) કચેરીમાં તસ્કોએ અનોખી ચોરીને અંજામ આપ્યો છે. શનિ-રવિની રજાઓ દરમિયાન કચેરી બંધ હોવાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો શખ્સ અગાસીમાં પ્રવેશ્યો હતો અને એસી (AC)ના આઉટડોર યુનિટ સાથે કનેક્ટેડ કિંમતી કોપર પાઇપ કાપીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે એલ.આઈ.સી. ના બ્રાન્ચ મેનેજરે ગંગાજળિયા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. રજાના દિવસે બંધ ઓફિસનો લાભ ઉઠાવ્યો
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગંગાજળિયા તળાવ પાસે આવેલી એલ.આઈ.સી. ઓફિસના સીનિયર બ્રાન્ચ મેનેજર સુનીલભાઈ સુરજમલ પલાસીયા (રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 23 અને 24ના રોજ શનિ-રવિવારની સત્તાવાર રજા હોવાના કારણે ઓફિસ સંપૂર્ણ બંધ હતી. આ સમયગાળા દરમિયાન કચેરીની ખુલ્લી અગાસીનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ત્યાં પ્રવેશ કર્યો હતો. ₹38,500ની કિંમતનો 110 ફૂટ પાઇપ ચોરાયો
તસ્કરોએ અગાસીમાં ગોઠવવામાં આવેલા એર કંડિશનર (AC)ના આઉટડોર યુનિટ્સને ટાર્ગેટ કર્યા હતા. તેઓએ આઉટડોર સાથે લાગેલી અંદાજે 110 ફૂટ લાંબી કોપરની પાઇપ કટર વડે કાપી નાખી હતી. ચોરી થયેલી આ કોપર પાઇપની અંદાજિત કિંમત ₹38,500/- જેટલી થવા જાય છે. સોમવારે સવારે જ્યારે સ્ટાફ ઓફિસે પહોંચ્યો અને એસી ચાલુ ન થતાં તપાસ કરતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી તપાસવા ચક્રો ગતિમાન કર્યા
એલ.આઈ.સી. ના સીનિયર બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) મુજબ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. ધોળા દિવસે કે રાત્રિના સમયે આ હરકત કરનાર ચોર ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે કચેરીની આસપાસ અને ગંગાજળિયા તળાવ વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →